ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને ફરીવાર CMનો તાજ, સરકાર રચવા દાવો કરાયો, સોમવારે નવી સરકારનું ગઠન
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે પ્રતંડ બહુમત મેળવ્યા બાદ આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત મુકાતા સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કરીકે સોમવારે શપથ લેશે,
ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા હતા. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજભવન પહોંચ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે સાતમી વખત સરકાર રચવા જઈ રહેલા ભારતીય જનતા પક્ષના વિધાનસભાના નવા નેતા તરીકે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પુન: વરણી સાથે જ આજે બપોરે રાજયપાલ દેવવ્રત આચાર્ય સમક્ષ સરકાર રચવા દાવો કર્યો હતો. અને સરકારની શપથવિધિ સોમવારે બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકોમાં જીત સાથે જ જબરા આત્મવિશ્વાસ સાથે નવી સરકારની રચનાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે ‘કમલમ’ ખાતે પક્ષના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા હાજર રહ્યા હતા.
રાજનાથ સિંઘે રાજયમાં પ્રચંડ વિજયનો યશ ગુજરાતની જનતા અને કાર્યકર્તાઓને આપ્યા બાદ સર્વાનુમતે વિધાનસભાના પક્ષના નેતા અને ભાવી મુખ્યમંત્રી તરીકે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી અને તેમને વધાવી લીધા હતા. બાદમાં બપોરે 2 વાગ્યે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા કેન્દ્રના નિરીક્ષકો અને રખેવાળ સરકારને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજભવન ખાતે હંકારી ગયા હતા અને સરકાર રચવા દાવો કર્યો હતો અને રાજયપાલે તે સ્વીકારતા સોમવારે બપોરે 2 વાગ્યે શપથવિધિ યોજાશે. આજે કમલમ વધુ કેસરીયુ બની ગયું હતું. ભાજપના નવા ચુંટાયેલા તથા ફરી ગૃહમાં પહોચનારા ધારાસભ્યોનું કેસરીયા સ્વાગત કરાયું હતું અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના આગમન સાથે જ ભારત માતા કી જયના નારા ગુંજયા હતા.