અમદાવાદ: મહેસાણા જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડના કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આખરે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ છે. કોઈપણ શરત વગર તેમના જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. અને ચૂંટણી ટાણે જ અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીને મુક્ત કરવા માટે આંદોલન કર્યું હતું. વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો.
વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણ અને સહકારી દૂધ મંડળી ક્ષેત્રે જાણીતું નામ છે. વિપુલ ચૌધરી એ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વર્ષ 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના થઇ હતી. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે અને હાલ કૌભાંડના આરોપ હેઠળ જેલમાં છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ છે.