રાજકોટઃ શહેર નજીક તૈયાર થઇ રહેલા અને 2023માં સંભવિત શરૂ થનારા ગ્રીનફિલ્ડ હીરાસર ઍરપોર્ટને લીઝ પર આપીને ખાનગીકરણ કરવામાં આવશે એવી માહિતી તાજેતરમાં ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેર કરી છે. તેમણે કહ્યું કે, એર પેસેન્જર ટ્રાફિક વધી રહ્યો છે. અને સુવિધા વધારવા માટે ચેન્નઇ, કોલકાતા, જબલપુર, ઇંદોર અને રાજકોટના હિરાસર ઉપરાંત વિયજવાડા, રાયપુર અને અમૃતસર જેવા ઍરપોર્ટ ખાનગી હાથોમાં સોંપીને લીઝ પર અર્થાત ભાડા પટ્ટા પર આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દેશના વધુ અગિયાર જેટલાં ઍરપોર્ટને ખાનગી હાથોમાં ભાડાપટ્ટાના આધાર પર આપવામાં આવશે. 2014 પહેલા ફક્ત 74 ઍરપોર્ટસ હતા તે સંખ્યા અત્યારે દેશમાં ઍરપોર્ટસ અને વોટરડ્રોમની સંખ્યા 145 સુધી પહોંચી ગઇ છે. 400 જેટલા ઍરક્રાફ્ટ દેશમાં હતા તેની બદલે હવે 700 સુધી પહોંચી ગયા છે. રાજકોટમાં હીરાસર ઍરપોર્ટની કામગીરી પૂરી કરીને વિધાનસભા ચૂંટણી પૂર્વે હંગામી ધોરણે શરૂ કરી દેવાનું આયોજન હતું, પરંતુ ફ્લાઇટ ટેકઓફ કે લૅન્ડ કરી શકે એટલી પ્રગતિ કામકાજમાં થઇ નથી. હવે 2023ના પ્રથમ છ માસમાં ઍરપોર્ટનું કામકાજ પૂરું થતા કાર્યાન્વિત થાય એવી શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભારતમાં એર પેસેન્જર ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. કોરોના પછી હવે ફરીથી એર ટ્રાફિકમાં વધારો થયો છે. ભારતનો એર પેસેન્જર ટ્રાફિક આવનારા પાંચ વર્ષમાં 40 કરોડ કરતા વધારે થઇ જાય એવી શક્યતા છે. એ કારણે વધુ સારી સુવિધાઓ આપવા માટે સરકાર ઍરપોર્ટસને લીઝ પર આપી રહી છે. સરકાર ઍરપોર્ટ વેચી રહી નથી, પણ સંચાલન ખાનગી કંપનીઓને આપીને રોકડ મેળવવા ઇચ્છે છે. મોટેભાગે ટુ અને થ્રી ટાયર શહેરોમાં આવા ઍરપોર્ટ આવેલા છે. સરકાર લીઝ પર ઍરપોર્ટ આપવાને લીધે રૂા. 8000 કરોડ જેટલી કમાણી કરશે.. 2019માં અમદાવાદ, લખનૌ, મેંગલોર, ગૌહાતી, જયપુર અને તિરૂવનંથપુરમના ઍરપોર્ટ અદાણીને સોંપવામાં આવ્યા છે. કારણ કે બધા ઍરપોર્ટની બિડઝ કંપની જીતી ગઇ હતી.