નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તાજેતરમાં અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાએ ચીની સેનાને જોરદાર ટક્કર આપી હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકો સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જે મામલે વિપક્ષે લોકસભામાં હોબાળો કર્યો હતો જેથી કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
લોકસભામા વિપક્ષના હોબાળાની પ્રવૃત્તિને આડેહાથ લેતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશમાં સૈન્ય અથડામણનો હવાલો આપીને વિપક્ષે ગૃહમાં કિંમતી પ્રશ્નકાળને સ્થગીત કરાવ્યો છે. જોકે સંસદીય બાબતોના મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, 12 વાગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગૃહમા નિવેદન આપશે. જ્યારે વિગતો આપવાની વાત કરી હતી ત્યારે હોબાળો કરવાનો કોઇ અર્થ નથી. તેમણે કહ્યું કે પ્રશ્ન સુચીમા પાંચ નંબરનો પ્રશ્ન રાજીવ ગાંધી ફાઉન્ડેશનની નોંધણી રદ કરવાનો હતો.
કોંગ્રસના સભ્ય દ્વારા જ આ પ્રશ્ન પુછવામાં આવ્યો છે. જોકે આ પ્રશ્ન હાથ ન ધરાય તે માટે આ પગલુ ભર્યુ હોવાનો મનસુબો જણાય છે. વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસની ભૂલના કારણે ગલવાનથી માંડીને અરૃણાચલ પ્રદેશ સુધીની સ્થિતિ ચિંતાનજક બની હતી. વર્ષ 2014 બાદ મોદી સરકારે આ વિસ્તારમાં સૈનિકોની તાકાત અને આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે.