ભાવનગરઃ સુરતથી ભાવનગર આવેલી એક ખાનગી બસના ચાલકને હાર્ટએટેક આવતા બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ બે વાહનોને અડફેટે લઈને મારુતિકારના શો રૂમમાં ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતમાં બસના ચાલકનું હાર્ટએટેકને કારણે મોત નિપજ્યું હતુ. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી ભાવનગર શહેરમાં આવેલી રહેલી મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં હ્દય રોગના તિવ્ર હુમલાને પગલે ડ્રાઈવરનુ સ્થળ પર જ મોત થયું હતુ. ભાવનગરમાં દરરોજ સવારે 4 કલાકથી સુરત તથા મુંબઈ જેવા મહાનગરોમાથી સેંકડો ખાનગી ટ્રાવેલ્સની બસો આવતી હોય છે. એજ રીતે રોજિંદા ક્રમ મુજબ સુરતથી અવધૂત ટ્રાવેલ્સ ની બસ શહેરમાં આવી રહી હતી એ દરમિયાન દેસાઈનગર પાસે આવેલા પેટ્રોલપંપ નજીક પહોંચતા બસના ચાલકને ચાલુ બસે હ્દય રોગનો તિવ્ર હુમલો આવતા ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં બસ પેટ્રોલપંપ નજીક આવેલા બે વાહનોને અડફેટે લઈને મારૂતિ કારના શો રૂમમાં ઘૂસી હતી.
ભાવનગરમાં વહેલી સવારે બનેલી એકાએક ઘટનાને પગલે બસમાં સવાર પ્રવાસીઓ ભયભીત થયા હતા અને બસમાં દેકારો મચ્યો હતો સવારે આ રોડપર ટ્રાફિક નહીવત હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી પરંતુ વાહનો તથા બસને ખાસ્સું નુકશાન થયું હતું આ ઘટનામાં બસ ચાલકે ડ્રાઈવર સીટ પર જ દમ તોડ્યો હતો, ડ્રાઈવરને હ્દય રોગના તિવ્ર હુમલાને પગલે ડ્રાઈવરનુ સ્થળપર જ મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ડ્રાઈવરના મૂર્તદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ ઘટનાની જાણ થતાં રાહદારીઓ-વાહન ચાલકોને તથા તત્કાળ મદદે દોડી આવ્યા હતા જેમાં ડી-ડીવીઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.