ગુજરાત વિદ્યાપીઠની રાજ્યપાલે લીધી ઓચિંતી મુલાકાત, સ્વચ્છતા, દુર્દશાના પ્રશ્ને કરી ટકોર
અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના વિચારોને વરેલી ગાંધીવાદી સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની તાજેતરમાં અચાનક જ મુલાકાત લઈને કેમ્પસમાં ફરીને જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટેના ભોજનાલય, સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત તેમજ અપાર ગંદકીને નિહાળી રાજ્યપાલે અત્યંત દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠના નિરિક્ષણ બાદ તેમણે જણાવ્યુ હતું કે મહાત્મા ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં જ ગંદકી અને જર્જરીત હાલત જોઈ મન દ્રવી ઉઠે છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહનું અહીં પાલન થાય તે માટે રાજ્યપાલે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. રાજ્યપાલ અચાનક જ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને રૂમમાં જ મળ્યાં હતા. તેમણે અહી સ્વચ્છતા તેમજ ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી, જ્યારે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી મહિલા છાત્રાલય પહોંચ્યા હતા અને અહીંની ગંદકી અને જર્જરીત-દયનીય હાલત જોઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓને સ્વચ્છતા માટે સમૂહશ્રમ કરવા અનુરોધ પણ કર્યો હતો.
રાજ્યપાલે આ તકે વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી તેમજ કાર્યકારી રજિસ્ટ્રાર નિખિલ ભટ્ટને તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા ભારપૂર્વક અનુરોધ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અહી છાત્રાવાસમાં વસતા વિદ્યાર્થીઓને પણ સ્વચ્છાગ્રહી બનવાનો આગ્રહ કરી ગુજરાત વિદ્યાપીઠને ગાંધીજીના સપનાનું શિક્ષણ સાધનાનું આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો હતો.