ગાંધીનગરમાં 784 જેટલાં ઝાડ કાપવાની મંજુરી ન મળતા ફોરલેન રોડ બનાવવાની કામગીરી અટકી પડી
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિકાસના કામોને લીધે લીલાછમ વૃક્ષો કાપવાની ફરજ પડી રહી છે. શહેરના મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરના ત્રણેક પ્રોજેક્ટમાં 784 જેટલા ઝાડ કાપવાની મંજૂરી બાકી હોવાથી કામગીરીને અસર પહોંચી છે. જેમાં ત્રણ સ્માર્ટ રોડની કામગીરી મંથરગતીએ ચાલી રહી છે. જ્યારે સેક્ટર-21-22 અને સેક્ટર-22-23 અંડરપાસની કામગીરી અટકી પડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરનો છેલ્લા પાંચ વર્ષમાં સારોએવો વિકાસ થયો છે. શહેરની વસતીમાં વધારો થતાં એનો વિસ્તાર પણ વધ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાલ વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના ત્રણેક પ્રોજેક્ટમાં 784 જેટલા ઝાડ કાપવાની મંજૂરી બાકી હોવાથી કામગીરીને અસર પહોંચી છે. જેમાં ત્રણ સ્માર્ટ રોડની કામગીરી મંથરગતીએ ચાલી રહી છે. જ્યારે સેક્ટર-21-22 અને સેક્ટર-22-23 અંડરપાસની કામગીરી અટકી પડી છે. શહેરના 1થી 30 સેક્ટરના એપ્રોચ રોડને ફોરલેન કરવાની કામગીરી પણ અટકી પડી છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ માટે ફોરેસ્ટ વિભાગમાં અલગ-અલગ 6થી 7 જેટલા ફાઈલો મુકાઈ છે. જેની મંજૂરી લાંબા સમયથી બાકી છે. જેને પગલે હાલ આ ત્રણ કામગીરીને અસર થઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં સ્માર્ટ રોડ પર ઝાડ કાપ્યા વગર તંત્ર દ્વારા કામગીરી કાઈ રહી છે. જેને પગલે કેટલા ઝાડ હાલના સમયે રસ્તા વચ્ચે આવી ગયા છે. જે કોઈ પણ સમયે અકસ્માતનું પણ કારણ બની શકે તેમ છે. ત્યારે ફોરેસ્ટ વિભાગમાં બાકી રહેલી મંજૂરીઓ મુદ્દે ચર્ચા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં બેઠક મળી હતી. સ્થાનિક વનવિભાગ કચેરી દ્વારા નિયમ મુજબ ફાઈલો વડી કચેરી મોકલી અપાઈ છે, જોકે લાંબા સમયથી ઝાડ કાપવા અને વન વિભાગ હસ્તકની જમીનનો ઉપયોગની મંજૂરી આવી નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સેક્ટર-21 અને સેક્ટર-22 વચ્ચે તથા સેક્ટર-22 અને સેક્ટર-23 વચ્ચે બે અંડરપાસની કામગીરી થવાની છે. સેક્ટર-21 ગોવર્ધનજીની હવેલી પાસે તંત્ર દ્વારા અંડરપાસની કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી. જોકે ઝાડ કાપવાની મંજૂરી ઉપરાંત ફોરેસ્ટની પ્રોટક્ટેડ જમીનનો ઉપયોગની હજુ સુધી મંજૂરી મળી નથી. જેને પગલે આ કામગીરી અટકી જ પડી છે. સેક્ટરમાં જવાના એપ્રોચ રોડ્સને ફોરલેન કરવા માટેનું આયોજન તંત્ર દ્વારા કરાયું છે. આ એપ્રોચ રોડની કામગીરીમાં અંદાજે 200 જેટલા ઝાડ કાપવાની મંજૂરી માગવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ત્રણ જેટલા રોડને સ્માર્ટરોડ બનાવાઈ રહ્યાં છે. જેમાં રોડ નંબર-6, 7 અને ગ રોડમાં 33 કિલોમીટરનો રોડ 60 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવાઈ રહ્યાં છે. જેમાં ત્રણેય માર્ગ પર સ્માર્ટ ક્રોસિંગ, ફૂટપાથ, કેબલ ડક્સ નાખવામાં આવી રહ્યાં છે. અહીં રોડની બંને બાજુ ઘટાદાર વૃક્ષો આવેલા છે.