ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે રવિવારે કોમન ટેસ્ટ, રાજ્યના 1113 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(GNLU) માં પ્રવેશ માટે આગામી તા. 18 ડિસેમ્બરને રવિવારના રોજ કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT) યોજાશે. આ વર્ષે કોમન લો એડમિશન ટેસ્ટ માટે ગુજરાતમાંથી 1,113 ઉમેદવારોએ નોંધણી કરાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2023) આગામી તા. 18 ડિસેમ્બરના રોજ યોજાશે. આ વર્ષે ગુજરાતના ચાર શહેરો ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી CLAT માટે કુલ 1,113 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. જ્યારે ગત વર્ષે ગુજરાતમાંથી CLAT માટે 1224 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. આ વર્ષે ભારતભરમાંથી આશરે 55 હજાર ઉમેદવારોએ નોંધણી કરાવી છે. તેમજ ગત વર્ષે 61 હજાર ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
દેશની 22 નેશનલ લો યુનિવર્સિટીના પાંચ વર્ષના સંકલિત એલએલબી અને એક વર્ષના LLM પ્રોગ્રામ્સમાં CLATના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવશે. 22 નેશનલ લો યુનિવર્સિટી તેમના LLB પ્રોગ્રામમાં લગભગ 1,600 બેઠકો ધરાવે છે. 22 નેશનલ લો યુનિવર્સિટી ઉપરાંત લગભગ 50 અન્ય ક્લેટ-સંલગ્ન યુનિવર્સિટીઓ પણ તેમના કાર્યક્રમોમાં પ્રવેશ માટે CLAT પરીક્ષાનો ઉપયોગ કરે છે. CLATની પરીક્ષા માટે ગાંધીનગર સેન્ટરમાં 678 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. જેમાં LLB માટે 542 અને LLM માટે 136 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી (GNLU) માં LLB પ્રોગ્રામમાં 204 અને LLM પ્રોગ્રામમાં 57 સીટો છે. જ્યારે આગામી શૈક્ષણિક વર્ષ 2023-24થી નવા શરૂ થઈ રહેલા GNLU સિલ્વાસા કેમ્પસ માટે પણ ક્લેટના આધારે પ્રવેશ આપવામાં આવશે. GNLU સિલ્વાસા કેમ્પસમાં BA LLB પ્રોગ્રામમાં 66 અને LLM પ્રોગ્રામમાં 33 બેઠકો છે. નેશનલ લો યુનિવર્સિટીના કન્સોર્ટિયમ માટે GNLU ગુજરાતમાં CLATનું આયોજન કરે છે.