ઊનાઃ રાજ્યમાં રોજબરોજ માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ઊનાના લામધાર પાસે પુરઝડપે આવેલી કાર નાળા સાથે અથડાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે પંચમહાલમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે બાઈકસવારોના મોત નિપજ્યા હતા. તથા સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર પાસે બે બાઈક સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ.ઉપરાંત સુરતમાં સિટી બસની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તેમજ અમદાવાદના ઘુમા વિસ્તારમાં કારની અડફેટે એકનું મોત નિપજ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના ઘુમા વિસ્તારમાં વહેલી સવારે લાલગેબી આશ્રમ પાસેના રોડ પર એક કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન આ કાર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ઘુસી ગઈ હતી, જ્યાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સ્વયં સેવકો કસરત કરી રહ્યા હતા, ત્યારે એન્ડેવર કારે તેમને ઉડાડ્યા હતા, જ્યાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગીર સોમનાથના ઉનાના લામધાર ગામે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક બે વ્યક્તિઓમાં એક ઉનાના ખાણ ગામનો વતની અને એક દેલવાડા ગામનો હતો. કારચાલક પોતાનો કાબુ ગુમાવતા કાર બેઠા નાળા સાથે અથડાઈ હતી, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે કાર ધડાકાભેર નાળા સાથે અથડતાં બે લોકોના મોત નિપજ્યાં હતાં. અકસ્માતનો બીજો બનાવ સુરતમાં બન્યો હતો. જેમાં સુરતના ભેસ્તાનમાં સીટી બસની ટક્કરે BRTS રૂટ ક્રોસ કરતા યુવકનું મોત થયું હતુ.. સાથે રોડ ક્રોસ કરતો અન્ય યુવકનો માંડમાંડ જીવ બચ્યો છે. યુવકે બસને અટકાવવા માટે હાથ ઊંચો કર્યો છતાં ચાલકે બ્રેક ન મારી સીધો ધસી આવતા યુવકનું કરૂણ મોત થયું છે. જેને પગલે રોષે ભરાયેલા લોકોના ટોળાંએ બસમાં ભારે તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે બસચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો ત્રીજો બનાવ પંચમહાલના હાલાલ નજીક બન્યો હતો અકસ્માતમાં બે યુવકનાં મોત થયા હતા. હાલોલના અભેટવા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈકસવાર બંનેના મોત થયા છે. બંને મિત્રો નોકરીથી પરત આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક પર સવાર ઈંટવાડી ગામના બે મિત્રોના કરુણ મોત થયા છે. અકસ્માતના ચોથો બનાવમાં સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેદાદરા ગામના પાટિયા પાસેના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દેદાદરા ગામના પાટિયા પાસે બે બાઇક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.