મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં કંઈક જ નવીનતા જોવા મળી હતી. એનસીપીના મહિલા ધારાસભ્ય સરોજ બાબુબાલ આહિર પોતાની 3 મહિનાની દીકરીને લઈને ગૃહની કામગીરીમાં ભાગ લેવા આવ્યાં હતા. આ દરમિયાન તેમના પતિ અને સાસુ પણ તેમની સાથે જ હતા. મહિલા ધારાસભ્ય પોતાના નવજાત બાળકને હાથમાં તેડીને વિધાનસભા પરિસરમાં પહોંચ્યાં હતા. ત્યારે ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યો પણ ચોંકી ઉઠ્યાં હતા.
એનસીપીના ધારાસભ્ય સરોજબેન બાબુલાલે 30મી સપ્ટેમ્બરના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને હાલ આ બાળક લગભગ 3 મહિનાનું છે. દરમિયાન આજે તેઓ બાળકને લઈને વિધાનસભા પહોંચ્યાં હતા. તેમણે વિધાનસભા પહોંચીને જણાવ્યું હતું કે, કોરોનાને કારણે છેલ્લા અઢી વર્ષથી નાગપુરમાં વિધાનસભાનું એક પણ સત્ર મળ્યું નથી. હું અહીં મારા મતદારોના સવાલોનો જવાબ લેવા માટે આવી છું.
તેમણે કહ્યું કે, દરરોજ બાળકને વિધાનસભા લાવીશ જેથી પ્રજાના કામની સાથે તેની સંભાળ પણ રાખી શકાય. જો કે, વિધાનસભા પરિસરમાં મહિલા ધારાસભ્યો માટે કોઈ ફીડીંગ રૂમ સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેથી સરકારે આ અંગે ધ્યાન રાખીને યોગ્ય કામગીરી કરવી જોઈએ, જેથી મહિલા ધારાસભ્યો પોતાના નવજાત બાળકને વિધાનસભા લાવી શકે. સરોજ બાબુભાઈ વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યાં હતા. જ્યારે વર્ષ 2021માં તેમના લગ્ન થયાં હતા.
મહારાષ્ટ્ર વિધાનસભા સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. શિયાળુ સત્રમાં શાંતિથી કામગીરી થઈ શકે તે માટે 7 હજાર જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.