અફઘાનિસ્તાનમાં યુવતીઓ માટે યુનિવર્સિટીના દરવાજા બંધ,તાલિબાને મૂક્યો પ્રતિબંધ
દિલ્હી:તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ જારી કર્યો છે.જે મુજબ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીના પત્ર અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં યુવતીઓ અને મહિલાઓ માટે ચાલતી યુનિવર્સિટીઓને બંધ કરવાની જાહેરાત કરી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાન મંત્રીનું કહેવું છે કે,આ આદેશ આગળની સૂચના સુધી લાગુ છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
તાલિબાનના નવા આદેશ બાદ દેશભરની યુનિવર્સિટીમાં કોઈપણ યુવતી કે મહિલા પ્રવેશ મેળવી શકશે નહીં.ત્રણ મહિના પહેલા, સમગ્ર અફઘાનિસ્તાનમાં હજારો છોકરીઓ અને મહિલાઓએ યુનિવર્સિટીઓમાં આયોજિત પ્રવેશ પરીક્ષા માટે હાજરી આપી હતી.
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓ અને યુવતીઓના શિક્ષણને લઈને એક ફરમાન બહાર પાડ્યું હતું.જેમાં કહેવામાં આવ્યું હતું કે,પુરૂષોની શાળામાં મહિલાઓ અને યુવતીઓ અભ્યાસ કરી શકશે નહીં.આ સાથે માત્ર મહિલા શિક્ષકો જ તેમને ભણાવી શકશે.
નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં સરકાર બની ત્યારથી દુનિયાના ઘણા દેશો તાલિબાનોને સરકારનો દરજ્જો આપતા નથી.તેને આતંકવાદી સંગઠન ગણવામાં આવે છે. જેના કારણે ઘણા દેશોએ અફઘાન પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે.તાલિબાનોએ દેશમાં ઇસ્લામિક કાયદો લાગુ કર્યો છે અને મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે.જેમાં પાર્ક, જીમમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, કામ કરવા પર પ્રતિબંધ વગેરેનો સમાવેશ થાય છે.