ચીનથી પરત ફરેલા ભાવનગરના વેપારીને કોરોના પોઝિટિવ, ક્વોરન્ટાઈન કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરાયું
ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાકાળના બે વર્ષ દરમિયાન લોકોએ ઘણીબધી યાતનાઓ વેઠવી પડી હતી.કોરોનાનો કપરો કાળ પૂર્ણ થતાં જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. પરંતુ લોકોમાં હજુ કોરોનાનો ડર ઓછો થયો નથી. હાલ ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યાંથી જ પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપીડ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવ્યો હતો. વેપારી યુવાનને ક્વોરન્ટાઈન કરી RTPCR અને જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર મ્યુનિ કમિશ્નર ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોવિડનું સંક્રમણ ન ફેલાય એ માટે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા 21 દિવસમાં કોવિડનો એકપણ પોઝિટિવ કેસ ન હતો. પરંતુ ગતરોજ ચાઈનાથી પરત ફરેલા એક વેપારીએ કોવિડ ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી હેલ્થ વિભાગે આ વેપારીને ક્વોરન્ટાઈન કરી સારવાર શરૂ કરી છે. વેપારીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ પરિજનોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનમાં હાલ કોરોનાએ જે કહેર મચાવ્યો છે તેમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચીનથી પરત આવેલા વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ લઈ જીનોમ સિકવન્સિંગ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરના મ્યુનિ.કમિશનરે વર્તમાન સ્થિતિને જોતા શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સૂચના આપી છે. હાલ દરરોજ 100 જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તે વધારવાની સૂચના આપવામાં આવી છે. PHC અને સરટી હોસ્પિટલમાં લોકો ફ્રીમાં ટેસ્ટ કરાવી શકશે. ભાવનગરમાં રેપિડ ટેસ્ટ માટે અને RTPCR માટે પૂરતી કીટ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સમગ્ર વિશ્વ ત્રણ વર્ષ બાદ પણ વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણ માથી સંપૂર્ણપણે મુક્ત થઈ શક્યું નથી અને આ મહામારી ગમે ત્યારે ફરી માથું ઉચકે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મહામારીથી ચીનની દશા માઠી બની છે. ચીનમાં દરરોજ લાખો નવા કોવિડ કેસો નોંધાય રહ્યા છે, એ સાથે અન્ય એશિયાઈ તથા યુરોપિયન દેશોમાં પણ કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. જેને પગલે દેશમાં પણ નવેસરથી આ મહામારીનુ સંક્રમણ ફેલાવાની સંભાવના પ્રબળ બની રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે આ મુદ્દે તત્કાળ પગલાં લીધા છે, કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર દેશના રાજ્યોમાં કોવિડ સબંધિત પગલાં જાહેર કરવામાં આવ્યા છે ફરી એકવાર લોકો ને ફરજિયાત માસ્ક પહેરવા સાથે કોવિડ પ્રોટોકોલ નું ચૂસ્ત પણે પાલન કરવા જણાવ્યું છે.