ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનામાં 274 ટકાનો વધારો, લોકોને જાગૃત બનાવવા જરૂરીઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતના નાગરિકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે, ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશ્યલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત 1536 ગુન્હાઓ સાથે દેશમાં 8માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો છે. વર્ષ 2019માં 784 જેટલા ડીઝીટલ ક્રાઈમના બનાવો નોંધાયા હતા. જે વર્ષ 2021માં વધીને 1536 જેટલા નોંધાયા હતા. જે ખુબ ચિંતાજનક છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરએ જણાવ્યું હતું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા બે વર્ષ સાયબર ક્રાઈમની 16 લાખથી વધુ ઘટનાઓ બની હતી જેની સામે માત્ર 32 હજાર જેટલી ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાતમાં વર્ષ 2017-18માં 458, સાયબર ક્રાઈમ નોંધાયા હતા.જે વધીને વર્ષ 2021 963 જેટલા ઓનલાઈન ફ્રોડ નોંધાયા હતા. મહિલાઓની જાતીય સતામણી-સેક્સક્યુઅલ હેરેસમેન્ટ, ધ્રુણા, એટોરર્શનના 104 કેસ નોધાયા હતા. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનું સરવૈયું જોઈએ તો વર્ષ 2017માં 458, વર્ષ 2018માં 702 વર્ષ 2019ના વર્ષમાં 784માં, વર્ષ 2020માં 1283 વર્ષ 2021માં 1536 જેટલા સાઈબર ગુન્હાઓ નોધાયા હતા. મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થિક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ક્યાં કરવી? સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળે તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા એ આવશ્યક બની છે ત્યારે જુદા જુદા માધ્યમોથી નાગરિકોને સાયબર સુરક્ષા અંગે અવગત કરાવવા જરૂરી છે. ભાજપ સરકાર તમામ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.