- ટીવીની દિગ્ગજ અભિનેત્રી રજિતા કોચરનું નિધન
- 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- સીરીયલ ઉપરાંત ફિલ્મોમાં પણ કર્યું કામ
મુંબઈ:ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે.નાના પડદાની દિગ્ગજ અને વરિષ્ઠ અભિનેત્રી રજિતા કોચરનું નિધન થયું છે.તેમણે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.તેણે તંત્ર, કવચ: કાલી શક્તિ સે, હાતિમ અને કહાની ઘર ઘર કી જેવા ઘણા પ્રખ્યાત ટીવી શોમાં કામ કર્યું છે. કિડનીની સમસ્યાને કારણે 23 ડિસેમ્બરે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. તેમના નિધનથી ટીવી જગતમાં શોકનો માહોલ છે.
અભિનેત્રી રજિતા કોચરની ભત્રીજી નુપુર કંપાનીએ જણાવ્યું હતું કે,ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જે પછી તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી.જોકે, ધીરે ધીરે તે સ્વસ્થ થઈ ગઈ પરંતુ મંગળવારે તેણે શ્વાસ લેવામાં તકલીફ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી.જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,પરંતુ ગુરુવારે તેમની તબિયત બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.રાત્રે લગભગ 10.15 વાગ્યે તેમનું નિધન થયું.
રજિતા કોચર માતા તરીકે ઘણા ટીવી શોમાં જોવા મળી છે.તેની ભત્રીજીએ જણાવ્યું કે તેના કો-સ્ટાર્સ પણ તેને માતા કહીને બોલાવતા હતા.તેણે જણાવ્યું કે ગયા સપ્ટેમ્બરમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
ટીવી સિવાય રજિતા કોચર પિયા કા ઘર, ભ્રમ અને મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી જેવી ફિલ્મોમાં જોવા મળી છે.તેણે ટીવીના પ્રખ્યાત હોરર શો અનહોનીમાં પણ કામ કર્યું છે.તેમના પરિવારમાં તેમના પતિ રાજેશ કોચર અને પુત્રી કપિશા છે, જેઓ યુએસમાં રહે છે.