વડોદરામાં ગુજરાતના સૌથી મોટા 3.5 કિમી લાંબા અટલ ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યુ લોકાર્પણ
વડોદરાઃ ગુજરાતના સૌથી મોટા 3.5 કિ.મી લંબાઈ ધરાવતા વડોદરાના ઓવરબ્રિજનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્ત લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને અટલ બ્રિજ નામ અપાયુ છે. આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજંયતિ નિમિતે બ્રિજને ખુલ્લો મુકાયો છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ બ્રિજ તૈયાર કરાયો છે. ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો આ ફ્લાયઓવર બ્રિજ સાડા ત્રણ કિલોમીટર લાંબો છે. નિર્ધારીત સમય કરતાં આ બ્રિજ બે વર્ષ મોડો તૈયાર થયો છે. જો કે હવે બ્રિજના લોકાર્પણ સાથે જ સૌથી લાંબા ફ્લાય ઓવરને કારણે વડોદરા શહેરની ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકોને છૂટકારો મળશે. શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના આ બ્રિજને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 3.5 કિલોમીટરના ગુજરાતના સૌથી મોટા ફ્લાયઓવરને અટલ બ્રિજનું નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજના લોકાર્પણ સાથે વડોદરાના સમા તળાવના કિનારે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી ટ્રાફિક જામની સમસ્યાની સમસ્યાથી વાહનચાલકો પરેશાન હતા. હવે ઓવરબ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા ભૂતકાળ બની જશે. આ સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ સાત જંકશન પર ટ્રાફિક ઘટાડશે. આ બ્રિજ નીચેનો વિસ્તાર સારી રીતે લેન્ડસ્કેપ કરવામાં આવ્યો છે. જ્યાં વાહનો પાર્ક કરી શકાશે. આ ફ્લાયઓવરના 136 પિલર પર વર્ટિકલ ગાર્ડન વિકસાવવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસ અહેવાલ બાદ ડિસેમ્બર 2016માં આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું. મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધી બનેલા આ બ્રિજ પાછળ 230 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી લાંબો પ્રથમ એલિવેટેડ ફ્લાય ઓવર બ્રિજ છે. જે વડોદરાનું ગૌરવ બનશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં કૂમૂહુર્ત ધનારક ચાલી રહ્યા છે. સામાન્ય રીતે લોકો શુભપ્રસંગો કે શુભ કાર્ય કરતા નથી. પરંતુ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજનું લોકાર્પણ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મ દિવસ હોવાના કારણે કરાયું હતું.