હિંમતનગરઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ સ્થાનિક લેવલે હવે દૂધ-ઘીના ભાવ પણ અસહ્ય વધારો કરાયો છે. હવે અમુલ ઘીના ભાવમાં કિલોએ રૂપિયા 23નો વધારો કરાતા ડેરી સંચાલકોના ફાકોરી સામે વિરોધ ઊભો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો થયો છે. તો એક મહિનામાં 11 દિવસ બાદ બીજીવાર એક કિલો રૂ.23નો તેમજ પંદર કિલોના ડબ્બાએ રૂ.345નો વધારો કરાયો છે. આમ વર્ષ 2022માં લુઝ ઘીમાં આઠમી વખત ભાવ વધારો થયો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવ્યો છે. તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં પ્રતિ એક કિલોએ 23 અને 15 કિલો ધીમાં 345 રૂપિયાનો વધારો કર્યો છે. સાબર ડેરીએ 11 દિવસમાં બીજી વખત ભાવ વધારો કરતા લોકોમાં વિરોધ ઊઠ્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગું કરાયો છે. ભાવ વધારા બાદ લોકોને એક કિલો લુઝ ઘીમાં રૂ 23 નો ભાવ વધારો કરાયો છે, જ્યારે 15 કિલો ઘીમાં રૂ 345 નો ભાવ વધારો થયો છે. 15 કિલો ઘીનો ડબ્બાનો ભાવ રૂ.9450 અને એક કિલોના રૂ 630 થયા છે. એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થયો છે. જ્યારે 11 દિવસ બાદ ફરી લુઝ ઘીના ભાવમાં વધારો ઝીંકાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022 માં આઠ વખત લુઝ ઘી ભાવ વધારો થયો હતો. 15 કિલોમાં રૂ 2400 નો અને એક કિલોમાં રૂ 160 નો ભાવ વધારો કરાયો હતો. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાં પણ અસર પડી છે. ઘી અને દૂધના ભાવમાં થયેલો વધારો અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિકોએ ભોગવવો પડશે. શિયાળામાં ઘીની માગ વધારે હોય છે એવા સમયે આ વધારો ઘરના બજેટને પણ ખોરવી નાંખશે.