1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવ્યાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવ્યાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

0
Social Share

અમદાવાદ: ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ નાતાલથી કડકડતી ઠંડીનો પ્રારંભ થયો છે. રાજ્યના તમામ શહેરોમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આગામી સપ્તાહમાં ઉત્તર પૂર્વના ઠંડાબોળ પવનો લોકોને વધુ ધ્રૂજાવશે.

ગુજરાત કોલ્ડવેવમાં સપડાયું છે.રાજ્યભરમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેમાં 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે રાજ્યના 4 જિલ્લામાં 10 ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થયો હતો. એટલું જ નહીં, આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. પરંતુ વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પારો ગગડ્યો છે. ગુજરાતમાં હાલ શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે ત્યારે ફરીથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ ગુજરાતમાં ડિસેમ્બરનું છેલ્લા દિવસોમાં ઠંડીમાં વધારો થશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેમજ જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. શિયાળાની ચાલુ સિઝનમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેની અસર જનજીવન પર પણ થઈ રહી છે. પવનની ગતિ અને ઠંડાબોળ પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ગામડાંમાં ઠંડીએ ભારે જોર પકડયું છે. સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણાં સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજર પડી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હજી અઠવાડિયા પહેલાં જ ગરમી લાગતી હતી, ત્યાં છેલ્લા 3-4 દિવસથી અમદાવાદ સહિત મહાનગરોમાં ઠંડીએ  પગ જમાવી દીધા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનો અનુભવ થશે. સાથે જ આગામી 4 દિવસ સુધી તાપમાન ઠંડુ જ રહેશે. તો થર્ટીફર્સ્ટ સુધી અને ત્યાર પછી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાશે. આ તરફ અમદાવાદમાં સૂસવાટા બોલાવતા પવન ફેંકાઈ રહ્યા છે અને 11 ડીગ્રી તાપમાન છે. એટલું જ નહીં, નલિયા પણ ઠંડુંગાર બની ગયું છે અને અહીં 4.6 ડીગ્રી ઠંડી નોંધાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code