અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, 6 જુનિયરોને સિનિયરોએ બેલ્ટથી ફટકાર્યા
અમદાવાદઃ શાળા-કોલેજો કે હોસ્ટેલોમાં રેગિંગ કરવું તે કાનૂની અપરાધ છે. સુપ્રીમ કોર્ટે, પણ રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવેલો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે 6 વિદ્યાર્થીઓએ તેમના સિનિયર્સ દ્વારા પટ્ટા-જૂતા અને રબ્બરની પાઈપથી માર મારતા હોવાની ફરિયાદ કોલેજના ડીન અને પી.જી. ડિરેક્ટરને કરાતા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
દેશમાં તબીબી શિક્ષણ માટે જાણીતી અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં 6 જેટલા જુનિયર્સ વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના બની હતી. જેમાં જુનિયર્સ વિદ્યાર્થીઓને સિનિયર્સ વિદ્યાર્થીઓને જુતાં અને બેલ્ટથી માર મારવામાં આવતા કોલેજના ડીનને ફરિયાદ કરવામાં આવી છે. બે વિદ્યાર્થીને તમાચો મારવાના કારણે કાનમાં બહેરાશ આવી હોવાનું જાણવા મળ્યું છે. ઓર્થોપેડિક વિભાગના આ વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા આવા વર્તન સામે કોલેજે અત્યાર સુધી કોઈ એક્શન લીધા નથી. એન્ટિ રેગિંગ લૉ અંતર્ગત રેગિંગ વિરોધી કોઈ પણ કાર્યવાહી ન કરવા બદલ શૈક્ષણિક સંસ્થા વિરૂદ્ધ પણ પગલા લઈ શકાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ સામે પ્રથમ વર્ષના 6 વિદ્યાર્થીઓ અને તેમના વાલીએ રેગિંગની ફરિયાદ કરી છે. ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, આશરે 9 મહિના પહેલા આ વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારથી તેઓને માનસિક અને શારીરિક બંને રીતે પરેશાન કરવામાં આવી રહ્યાં છે. આવા ટોર્ચરને કારણે તેમને આત્મહત્યા કરવાનો વિચાર આવી રહ્યો છે. સામાન્ય બાબતમાં, પણ તેમના સિનિયર્સ પટ્ટા, જૂતા, સ્ટીલની ફૂટપટ્ટી અને રબ્બરની પાઈપથી માર મારે છે. લગભગ રોજે તેમને ઊઠક-બેઠક અને પ્લેન્કની સજા કરવામાં આવે છે. એ હિસાબે તેમને યુનિટમાં કામ કરવું ટોક્સિક લાગી રહ્યું છે. બે વિદ્યાર્થીને તો સિનિયર્સે ચહેરા પર સતત લાફા માર્યા હોવાથી કાનમાં સખત ઈજા થવાના કારણે બહેરાશ પણ આવી છે.
સિવિલ ઓર્થોપેડિક વિભાગના સોમવાર અને ગુરૂવારના યુનિટ હેડ ડૉ. ભાલોડિયા અને ડૉ. સોમેશસિંગને વિદ્યાર્થીઓએ લેખિત ફરિયાદ કરી છે. લેખિત ફરિયાદના આધારે બંને યુનિટ હેડે વિભાગના વડાને કસૂરવાર વિદ્યાર્થીઓ સામે પગલાં લેવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે થોડાક મહિના અગાઉ ડૉ. સોમેશસિંહ સમક્ષ સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર્સને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ થઈ હતી ત્યારે ડૉ. સોમેશસિંગે સિનિયર્સ વિદ્યાર્થીઓને બોલાવી ઠપકો આપ્યો હતો અને આવી ભૂલ બીજી વખત ના થાય તેવી કડક સૂચના આપી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એન્ટિ રેગિંગની ગાઈડલાઈન મુજબ દરેક કોલેજે દરેક વિદ્યાર્થી પાસેથી રેગિંગ અંગેનું સ્ટેમ્પ પેપર ઉપર અન્ડર ટેકિંગ લેવાનું ફરજિયાત છે. પીડિત હોય તેની ઉંમર 18 વર્ષ કરતા નીચે અથવા મોટી હોય તે પ્રમાણે કસૂરવાર માટે 6 મહિનાથી બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પીડિત એસસી અથવા એસટી કેટેગરીમાં હોય તો એટ્રોસિટીનો પણ કાયદો લાગુ પડી શકે છે. ફિઝિકલ એસોલ્ટ થયું હોય તેવા કિસ્સામાં આઈપીસીની કલમ મુજબ સજા મળી શકે છે. નિયમ મુજબ કોલેજોએ એન્ટિ રેગિંગની ગાઈડ ડિસ્પલે કરવી ફરજિયાત છે. વિદ્યાર્થીમાં અવેરનેસ લાવવા દરેક કોલેજે પ્રવેશ સમયે સ્થાનિક પોલીસ, એડવોકેટ સહિતની ટીમ સાથે સંવાદનો સેશન રાખવો ફરજિયાત છે.