અમદાવાદઃ રાજ્યમાં વ્યાજવટાઉનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. મહાનગરોથી લઈને ગામડાં પણ જરૂરિયાત મંદ લોકો શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે નાણા મેળવતા હોય છે. વ્યાજ સાથે મુદલ ચૂકવી દીધી હોવા છતાં ઘણા પરિવારો વ્યાજખોરોની દાદાગીરીનો ભોગ બની રહ્યા છે. આપઘાતના બનાવો પણ પોલીસના ચોપડે નોંધાયા છે. ત્યારે હવે ગેરકાયદે ધારધીરનો ધંધો કરનારા શાહુકારો સામે સરકારે લાલઆંખ કરી છે. ઊંચું વ્યાજ વસૂલીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આત્મહત્યા માટે મજબૂર કરતા વ્યાજખોરોની કનડગત અટકાવવા માટે ગુજરાત સરકારે હવે એક ખાસ અભિયાન હાથ પર લેવાનું નક્કી કર્યું છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વ્યાજખોરોથી પીડાતા વ્યક્તિએ રાજ્યના કોઇપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની રહેશે અને તે પછી ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે અગાઉ મની લોન્ડરિંગ એક્ટ, ગુંડા વિરોધી એક્ટ, પાસાના કાયદામાં સુધારો જેવા વિવિધ પગલાં લઈને વ્યાજખોરો પર લગામ કસવા માટે કાર્યવાહી કરી હતી, પરંતુ તે પછી પણ ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કે આપઘાતના પ્રયાસના બનાવો બની રહ્યા છે.રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર, ભુજ, મહેસાણા, પાટણ, આણંદ સહિતના નગરોમાં લોકો વ્યાજખોરો પાસેથી નાણાકીય ઋણ લે છે. જોકે તેના વ્યાજદર ખૂબ ઊંચા હોઈ તે સંપૂર્ણ પણે ભરપાઈ કરવામાં અસમર્થ રહે છે. ગુંડા તત્ત્વો જેવા વ્યાજખોરો બદલીમાં તેમની પાસેથી મિલકત આંચકી લેવા ઉપરાંત ઋણ લેનારી વ્યક્તિના ઘરની મહિલાઓ સાથે અઘટિત માંગણી પણ કરતા હોય છે.
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જરૂરિયાતને કારણે વ્યક્તિ ઊંચા વ્યાજે પૈસા લેવા જાય છે,પણ એક વખત વ્યાજ ન ચુકવી શકે કે રકમ ચૂકવી ન શકે એટલે વ્યાજખોરો અસહ્ય દંડ લઇને તેમનું જીવન મુશ્કેલ કરી મુકે છે. આવા સંજોગોમાં વ્યાજખોરો સામે કડક પગલા ભરવા માટે ગૃહ વિભાગ એક એકશન પ્લાન તૈયાર કરી રહ્યું છે. જે વ્યકિત પોલીસ ફરિયાદ કરશે. તેનો પૂરતો ન્યાય અપાશે, જોકે ફરિયાદીએ હિંમત કરીને પોલીસ પાસે આવવું પડશે.
ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોક્સો માટે એેક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં દરેક કેસનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. હજુ મૂલ્યાંકન ચાલુ છે,પણ પ્રાથમિક તબક્કે કરાયેલા મૂલ્યાંકનમાં 50 કેસનું મૂલ્યાંકન કરાયું છે. આ સમીક્ષા દરમિયાન પોક્સો કેસના આરોપીઓની અટકાયત અને સજા સંદર્ભે ચર્ચા થઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ કહ્યું હતું કે, પોક્સોના કેસની જવાબદારી દરેક એસપીને અપાઇ છે.