બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર ખેલાડી પેલેનું અવસાન,કેન્સર સામે લડતા જિંદગીની જંગ હાર્યા
- સદીના મહાન ફૂટબોલર પેલેનું નિધન
- તેની દીકરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી માહિતી
- કેન્સર સામે લડતા જિંદગીની જંગ હાર્યા
દિલ્હી:બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર ખેલાડી પેલેનું 82 વર્ષની વયે અવસાન થયું છે.તેની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.પેલેની ગણતરી વિશ્વના મહાન ફૂટબોલરોમાં થાય છે.તેઓ થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું
ઇન્સ્ટાગ્રામ પર મૃત્યુ વિશે માહિતી આપતા પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ લખ્યું, ‘અમે જે પણ છીએ, તે તમારા કારણે છીએ.અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.રેસ્ટ ઇન પીસ. પેલેને 2021 માં ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી તેઓ કીમોથેરાપી લઈ રહ્યા હતા.
થોડા દિવસો પહેલા બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ આર્જેન્ટિનાના લિયોનેલ મેસીને વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે તેણે ફાઈનલમાં હેટ્રિક બનાવવા માટે ફ્રાન્સના કિલિયન એમબાપ્પેને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ફૂટબોલ ખેલાડી તરીકે પેલેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરે શરૂ થઈ હતી.પેલેએ 15 વર્ષની ઉંમરે સાન્તોસ માટે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું અને 16 વર્ષની ઉંમરે પેલે બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમમાં જોડાયા હતા.
પેલેનું અસલી નામ એડસન એરાંતેસ ડો નાસિમેન્ટો હતું, પરંતુ દુનિયા તેમને પેલેના નામથી જ ઓળખતી હતી.તેનો જન્મ 23 ઓક્ટોબર, 1940ના રોજ બ્રાઝિલના ટ્રેસ કોરાકોએસમાં થયો હતો. તેને ફિફા દ્વારા ‘ધ ગ્રેટેસ્ટ’નો ખિતાબ પણ મળ્યો હતો.પેલેએ તેમના જીવનમાં ત્રણ લગ્ન કર્યા અને કુલ સાત બાળકો છે.