વર્ષ 2024ની ચૂંટણીમાં PM પદના ઉમેદવાર હશે રાહુલ ગાંધી, કમલનાથના નિવેદનથી વિપક્ષમાં ખળભળાટ
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. આ જાહેરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યાં સુધી 2024ની સામાન્ય ચૂંટણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે. કમલનાથના આ નિવેદનથી ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા યોજી રહ્યાં છે જે બાદ તેઓ પૂર્વથી પશ્ચિમ ભારતનો પ્રવાસ કરવાના છે. રાહુલ ગાંધીની આ યાત્રાથી વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થવાની આશા વ્યક્ત થઈ રહી છે.
કમલનાથે એમ પણ કહ્યું કે વિશ્વના ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ કરી નથી જેટલી રાહુલ ગાંધી કરી રહ્યા છે. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે દેશ માટે આટલું બલિદાન આપ્યું નથી. 76 વર્ષીય કમલનાથે કહ્યું કે રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ નથી કરતા, બલ્કે તેઓ દેશના લોકોની વાત કરે છે જે લોકોને ચૂંટીને સત્તામાં આવે છે.
સિંધિયા પરત કોંગ્રેસમાં આવી રહ્યાં છે તેવો સવાના જવાબમાં કમલનાથે કહ્યું હતું કે, “હું કોઈ વ્યક્તિ પર ટિપ્પણી નહીં કરું, પરંતુ જે લોકો દેશદ્રોહી છે, જેઓ પાર્ટી સાથે છેતરપિંડી કરે છે અને કાર્યકરો સાથે વિશ્વાસઘાત કરે છે તેમના માટે સંગઠનમાં કોઈ સ્થાન નથી.” તેમના માટે દરવાજા બંધ છે.
મધ્યપ્રદેશ અંગે કમલનાથે દાવો કર્યો હતો કે જે દિવસે રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તે દિવસે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના મુખ્યમંત્રી બદલી શકે છે, તે ભાજપનો આંતરિક મામલો છે. ગત વખતે જનતાએ કોંગ્રેસને ચૂંટી કાઢી હતી, પરંતુ ભાજપ ભલે ચહેરો બદલી નાખે તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે રાજ્યની જનતાએ ફરી કોંગ્રેસને સત્તા સોંપવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનમાં ચોક્કસ ફેરફાર કરશે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જંગી બહુમતી સાથે સત્તામાં આવશે.
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ રાજ્યોમાં યાજાયેલી વિધાનસભાની ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. બીજી તરફ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કોંગ્રેસને ફરીથી બેઠી કરવા કવાયત શરૂ કરી છે. બીજી તરફ અરવિંદ કેજરિવાલ, મમતા બેનર્જી અને નિતિશ કુમાર સહિત વિપક્ષના અનેક નેતાઓ વર્ષ 2024માં પીએમના ઉમેદવારના સ્વપ્ન જોઈ રહ્યાં છે. ત્યારે કમલનાથના આ નિવેદનથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.