અમૃતકાળમાં ભારતને આધુનિક વિજ્ઞાનની વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા બનાવવી છેઃ PM મોદી
નવી દિલ્હીઃ અમૃત કાલમાં ભારતને આધુનિક વિજ્ઞાનની વિશ્વની સૌથી અદ્યતન પ્રયોગશાળા બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. PM મોદીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી (RTMNU) ના અમરાવતી રોડ કેમ્પસમાં આયોજિત વિજ્ઞાન કોંગ્રેસનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાને આ પ્રસંગ્રે કહ્યું હતું કે, “આગામી 25 વર્ષમાં ભારત જે ઉંચાઈ પર પહોંચશે તેમાં ભારતીય વૈજ્ઞાનિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મારું માનવું છે કે ભારતનો વૈજ્ઞાનિક સમાજ દેશને તે ઊંચાઈ પર લઈ જશે જેનું ભારત હકદાર છે. ભારતમાં ડેટા અને ટેકનોલોજી વિપુલ પ્રમાણમાં છે. આ બંને ક્ષેત્રોમાં ભારતને વધુ ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા આપણા વૈજ્ઞાનિકો પાસે છે. પરંપરાગત જ્ઞાન હોય કે આધુનિક ટેકનોલોજી, બંને વૈજ્ઞાનિક સંશોધનમાં મદદરૂપ થાય છે. આપણી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વધુ મજબુત બનાવવા માટે આપણે સંશોધનાત્મક વલણ કેળવવું પડશે.
પીએમ મોદીએ કહ્યું, “આજે ભારત જે વૈજ્ઞાનિક અભિગમથી આગળ વધી રહ્યું છે તેના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત ઝડપથી વિશ્વના ટોચના દેશોમાંથી એક બની રહ્યું છે. વર્ષ 2020માં, અમે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 40મા સ્થાને પહોંચ્યા છીએ. પીએચ.ડી.ની દ્રષ્ટિએ ભારત વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સામેલ છે.
આજે ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સંદર્ભમાં વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. અમારું લક્ષ્ય માત્ર વિજ્ઞાન દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાનું નથી, પરંતુ મહિલાઓની ભાગીદારી દ્વારા વિજ્ઞાનને સશક્ત બનાવવાનું પણ લક્ષ્ય છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે, તે પુરાવો છે કે સમાજ આગળ વધી રહ્યો છે.