ભાવનગર : જૈનોના પવિત્ર તીર્થધામ એવા પાલીતાણામાં ભગવાનના પ્રાચીન પગલાને અસામાજીક તત્વો દ્વારા થયેલા નુકસાન મામલે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે રાજ્ય સરકારે રાતોરાત પાલીતાણાના જૈનમંદિરો તથા પ્રવાસી શ્રધ્ધાળુઓની સુરક્ષા વધારવાના તત્કાલીન પગલા જાહેર કર્યા છે. પાલીતાણામાં સુરક્ષા માટે ખાસ પોલીસ ટીમ તૈનાત રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત જૈન સમાજના પ્રશ્નોના ઉકેલ માટે સરકારે સીટ બનાવવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ દ્વારા પાલીતાણાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને સલામતી બંદોબસ્ત વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શેત્રુંજય પર્વત સ્થિત જૈન મંદિરો તથા શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે તળેટી ખાતે જ કાયમી ધોરણે ખાસ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સ્પેશ્યલ પોલીસ ટીમમાં એક પીએસઆઈ, બે એએસઆઈ, ત્રણ હેડ કોન્સ્ટેબલ તથા 12 કોન્સ્ટેબલની ફાળવણી કરવામાં આવી છે. જેઓ ડીવાયએસપી કક્ષાના અધિકારીના વડપણ-માર્ગદર્શન હેઠળ કામગીરી બજાવશે.
આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા હલ કરવા તથા શ્રધ્ધાળુઓને કોઇ અગવડ ન રહે તે માટે પાંચ ટ્રાફિક જવાન, પાંચ મહિલા હોમગાર્ડ તથા આઠ ટીઆરબી જવાનોને પણ તૈનાત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસની આ ખાસ ટીમને શેત્રુંજય પર્વતની સુરક્ષા તથા યાત્રીઓની સલામતી ઉપરાંત ટ્રાફિક નિયમન, દબાણ, યાત્રી હેલ્પડેસ્ક, મહિલાઓની સુરક્ષા, ડોલી નિયમન, એન્ટ્રી ચેકિંગ તથા પાર્કિંગની જવાબદારી રહેશે.પાલીતાણામાં અસામાજીક ઘટના સામે જૈન સમાજમાં રોષ હતો અને મહારેલી યોજવામાં આવી હતી તે પછી સરકારે તાત્કાલીન પગલા લીધા છે. આ ઉપરાંત સરકારે જૈન સમાજના પ્રશ્નો માટે સીટ બનાવવાનો પણ નિર્ણય લીધો છે.