ગુજરાતમાં ભાજપે શિસ્ત સમિતિની કરી જાહેરાત, અલ્પેશ ઠાકોરને પણ સોંપી મહત્વની જવાબદારી
રાજકોટ : ભારતિય જનતા પક્ષ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. પણ ભાજપમાં પણ હવે કોંગ્રેસી કલ્ચર જોવા મળી રહ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા નવી શિસ્ત સમિતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરને બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ઈન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવી શિસ્ત સમિતિની જાહેરાત કરી છે જેમાં કુલ 7 સભ્યોને સમાવાયા છે. તેના અધ્યક્ષપદે પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા રહેશે જ્યારે સભ્ય તરીકે બીપીનભાઈ દવે, મણીલાલ પરમાર, જયશ્રીબેન પટેલ, રામસિંહ રાઠવા, અજયભાઈ ચોક્સી તેમજ તખ્તસિંહ હડીયોલનો સમાવેશ કરાયો છે. આ શિસ્ત સમિતિ પક્ષમાં કાર્યકર્તાઓના શિસ્ત ભંગ અંગે તપાસ કરીને તેની સામે પગલા લેશે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે. સી.આર. પાટીલ દ્વારા ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જના નામની જાહેરાત કરી છે જેમાં અલ્પેશ ઠાકોરને બનાસકાંઠા જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર સ્થાનિક ચૂંટણીઓ પર છે. પાટીલે તાજેતરમાં નેતાઓ સાથે મીટિંગો કરી લેશન આપ્યું હતું. ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં 71 નગરપાલિકા, 17તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે સોમવારે સવારે પ્રદેશ પદાધિકારીઓ, સેલ મોરચા, વિભાગોના અધ્યક્ષો તેમજ જિલ્લા પ્રમુખોની બેઠક યોજીને સમીક્ષા કરી હતી. ભાજપે અલ્પેશ ઠાકોરને હવે બનાસકાંઠાની સ્થાનિક ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી છે. જ્યાં ઠાકોરની અગ્નિપરીક્ષા થવાની છે કારણ કે અહીં કોંગ્રેસ પણ મજબૂત છે. આ જિલ્લામાં ઠાકોર સમાજનો દબદબો હોવાથી અલ્પેશને જવાબદારી આપવામાં આવી છે. જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની છે તેવા ખેડા અને બનાસકાંઠા એમ બે મોટા જિલ્લાઓમાં ભાજપે ચૂંટણી ઈન્ચાર્જ નિયુક્ત કર્યા હતા. ખેડાના ઈન્ચાર્જ તરીકે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને તુષારસિહ મહારાઉલ તેમજ બનાસકાંઠાના ઈન્ચાર્જ તરીકે પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નિયુક્ત કરાયા છે.