બાલાસિનોર GIDCમાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું ગોદામ પકડાયું, 12 હજાર ફીરકાં કબજે કરાયા
બાલાસિનોરઃ ગુજરાતમાં ચાઈનિઝ દોરીથી ગગનમાં વિહાર કરતા પક્ષીઓ જ નહીં પણ દ્વિચક્રિ વાહનચાલકો પણ ભોગ બનાતા હોય છે. રાજ્ય સરકારે ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. છતાં કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી છે. મહિસાગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોની અટકાયત કરી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે. ત્યારે જિલ્લાના બાલાસિનોર શહેરમાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો પકડાયો છે. પોલીસે બાતમીને આધારે રેડ પાડીને બાલાસિનાર જીઆઈડીસી વિસ્તારના એક ગોદામમાંથી ચાઈનિઝ દોરીના 12000 ફીરકા જપ્ત કર્યા હતા.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસે બાતમી આધારે શહેરની જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો પકડી પાડ્યો છે. જેમાં જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં ઈદ્રિશ ઈસાક શેખ જે બાલાસિનોરનો રહેવાસી છે. તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં સ્ટોક કરી વેચાણ કરતો હતો. તેની બાતમી મળતા બાલાસિનોર પોલીસે રેડ કરી હતી. જ્યાં પોલીસને કુલ ફીરકી 12,542 નંગ મળી આવી છે. જેની કુલ કિંમત રૂપિયા 21 લાખ 28 હજાર 180 છે. તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઈદ્રીશ શેખ સામે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બાલાસિનોર જી.આઈ.ડી.સી ખાતે પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાં ઈદ્રિશભાઈ ઇસકભાઈ શેખ જે બાલાસિનોરના રહેવાસી છે. જે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ગોડાઉન ખાતે તપાસ કરતા ચાઈનિઝ દોરીની કુલ ફિરકી નંગ 12,532 જેની કિંમત રૂપિયા 21,28,180ની ગણી શકાય. જે તમામ મુદ્દામાલ તપાસના કામે જપ્ત કરવામાં આવ્યો છે. તથા ઈદ્રિશ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલુ છે.
આ ઉપરાંત મહિસાગર SOGએ પણ ચાઈનીઝ દોરી વેચાણ પર બાતમી આધારે રેડ કરી હતી. જેમાં લુણાવાડા શહેરના કસ્બા જવાહર રોડ ખાતે રહેતો ગફુરખાન અહેમદખાન પઠાણ જે પોતાના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો. જ્યાં પોલીસે રેડ કરી ચાઈનીઝ દોરીના 75 નાના મોટા ફિરકા ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 28,500 છે. તેમજ આરોપીની અટકાયત કરી લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા LCBએ બાતમી આધારે લુણાવાડા તાલુકાના નવા રાબડીયા તેમજ હાડોડ ખાતેથી કુલ 64 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી પાડ્યા હતા જેની કિંમત 25,600 હતી. તેમજ આ સાથે પોલીસે 4 આરોપીઓની પણ અટકાયત કરી કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.