દેશમાં 2023ના અંત સુધીમાં 200 વંદે ભારત ટ્રેન દોડતી કરાશેઃ રેલવે મંત્રી દર્શના જરદોશ
સુરતઃ ગાંધીનગર-મુંબઈ અને ત્યાર બાદ દેશના અન્ય સ્થળોએ શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓ તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે આ વર્ષના અંત સુધીમાં એટલે કે, 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં વધુ 200 જેટલી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. એવો સંકેત રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આપ્યો હતો.આ સાથે તેમણે સમગ્ર ભારતમાં 400 વંદે ભારત ટ્રેન દોડાવવાનું લક્ષ્યાંક પણ હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેલવેમાં ટ્રાફિક વધતો જાય છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે આ વર્ષના અંત સુધીમાં 200 વંદે ભારત ટ્રેન દોડાવાશે. આ ઉપરાંત તેમણે વંદે ભારત ટ્રેનના અકસ્માતને લઇને કહ્યુ હતું કે, વંદે ભારત ટ્રેનની ડિઝાઇન જ એવી બનાવાઇ છે કે, જેમાં અકસ્માત વધુ દેખાય છે. જ્યારે બીજી સામાન્ય ટ્રેનોમાં પણ અકસ્માતો થાય જ છે પરંતુ પોલાદની મજબૂત બોડી હોવાના કારણે આ અકસ્માતો સ્પષ્ટ રીતે દેખાતા નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌથી ઝડપથી ચાલતી ટ્રેન વંદે ભારતને લીલીઝંડી આપી હતી. ત્યારબાદ દેશમાં કુલ 5 જેટલી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. જો કે, આ ટ્રેન શરૂ થઇ તેના ત્રીજા જ દિવસે અમદાવાદના વટવા પાસે વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો અને એન્જિનના ભાગે પશુ ટકરાયા હતા. ત્યારબાદ સમયાંતરે આ ટ્રેન સાથેના અકસ્માતનો આંકડો વધતો જ ગયો હતો અને આજ સુધીમાં 7થી વધુ અકસ્માત થઈ ગયા છે. વંદે ભારત ટ્રેનમાં અકસ્માત ન થાય તે માટે ગુજરાતમાં સમગ્ર રેલવે ટ્રેક ઉપર બેરીકેટ લગાવવા માટે પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, જેની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવેશે તેવું જાણવા મળ્યું છે.