નવસારીઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રમાં માછીમારીના વ્યવસાયથી હજારો માછીમારો રોજગારી મેળવી રહ્યા છે. છેલ્લા મહિનાઓથી અનેક વિટંબણાઓનો સામનો કરી રહ્યા છે. યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ અને ચાઇનાની કોરોનાની સ્થિતિની અસર મત્સ્યોદ્યોગ ઉપર જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાઈ મેવાનાં ભાવ 50 થી 60 ટકા ઘટવા સાથે ત્રણ વર્ષોથી મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવેલા ટ્રોલર બોટમાં માછીમારોને હજી ડીઝલ સબસીડી નથી મળતી, જેને કારણે જીવના જોખમે દરિયો ખેડતા માછીમારોને આર્થિક સંકટના વાવાઝોડાને વેઠવું પડી રહ્યુ છે. જેથી નવસારી અને વલસાડના એક હજાર બોટના માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. અને સરકાર પાસે રાહતની આશા રાખી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી જિલ્લામાં 52 કિમીનો દરિયા કિનારો છે. અને કાંઠે રહેતા માછીમારો દરિયો ખેડવા મુંબઈના ભાઉચા ધક્કા અથવા પોરબંદર, ઓખા તરફ ટ્રોલર બોટ લઇને માછીમારી કરવા જતા હોય છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બનેલા ધોલાઈ બંદરેથી મચ્છીમારી કરવા માટે સ્થાનિક તંત્ર તેમજ સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા કોરોના કાળથી 300 બોટના માછીમારોએ મહારાષ્ટ્રનું રજીસ્ટ્રેશન કેન્સલ કરાવી, ગુજરાતમાં વલસાડથી રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ માછીમારોને ડીઝલ સબસીડી મળતી નથી, વારંવારની સરકારમાં રજૂઆતો બાદ પણ સબસીડી ન મળતા ડીઝલનો ખર્ચો માછીમારોને અસહ્ય થઈ રહ્યો છે. કારણ કે 15 થી 17 દિવસ સુધી દરિયામાં માછીમારી કરતી એક બોટને 2200 થી 2500 લીટર ડીઝલની ખપત થાય છે, જે 2 થી અઢી લાખ રૂપિયાનું પડે છે. જેની સાથે ખલાસીઓ અને કેપ્ટનના પગાર, રાશન, બરફ વગેરે મળીને 4 લાખ રૂપિયાની એક ફિશીંગ ટ્રીપ પડે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી દરિયાઈ મેવો પકડીને બંદર પર આવતા જ માછીમારોને નિરાશા મળે છે. કારણ માછલીઓના ભાવ 50 થી 60 ટકા ઓછા બોલાય છે અને આવકની સામે ખર્ચો વધી જાય છે. જેથી કંટાળીને નવસારી અને વલસાડના માછીમારોએ એક સંપ થઈ 1 હજાર ટ્રોલર બોટ બંદરે લાંગરી દીધી છે, જેમાં 300 બોટ ધોલાઈ બંદરે અને 700 બોટ મુંબઈ સ્થિત ભાઉચા ધક્કા ખાતે અચોક્કસ મુદ્દત માટે બાંધી હડતાળ પર ઉતર્યા છે.