1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે;જાણો ક્યારથી કરાવી શકશો નોંધણી
તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે;જાણો ક્યારથી કરાવી શકશો નોંધણી

તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે;જાણો ક્યારથી કરાવી શકશો નોંધણી

0
Social Share

અમદાવાદ:રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે.કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તા.૦૧ ફેબ્રુઆરી- ૨૦૨૩થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું.

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

કૃષિમંત્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના ૧૩૫ ખરીદ કેન્દ્રો, ચણાના ૧૮૭ ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના ૧૦૩ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તા.૧૦ માર્ચ-૨૦૨૩ થી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે.આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.૦૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી- ૨૦૨૩ સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણા નો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

મંત્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૬,૬૦૦, એટલે કે પ્રતિ મણ રૂા.૧,૩૨૦, ચણા માટે પ્રતિ ક્વિ. રૂા.૫,૩૩૫ એટલે કે પ્રતિ મણ રૂા.૧,૦૬૭ તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૫,૪૫૦ એટલે કે પ્રતિ મણ રૂા. ૧,૦૯૦નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમ પણ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે કહ્યું

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code