પોરબંદરઃ શહેરના દરિયાકાંઠેથી 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેમાં આગ લાગી હોવાની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને થતાં રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 7 માછીમારોને બચાવી લીધા હતા. સવારે 9.45 કલાક આસપાસ કોસ્ટગાર્ડને જય ભોલે બોટમાં આગ લાગવાનું ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરથી 50 કિમી નોટિકલ માઈલ સમુદ્રમાં જયભોલે નામની બોટમાં આકસ્મિકરીતે આગ ફાટી નીકળી હતી. જેની કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. અને ત્વરિત મદદ માગવામાં આવી હતી. દરમિયાન પોરબંદર ખાતેના ICG જિલ્લાના મુખ્યાલયે તત્કાલ પ્રતિક્રિયા આપી અને તેના ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજો C-161 અને C-156ને ઘટનાસ્થળ તરફ વાળ્યા હતા. પોરબંદરના કોસ્ટગાર્ડ એર સ્ટેશનથી એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. કોસ્ટગાર્ડનું વિમાન દુર્ઘટનાસ્થળે 10.20 મિનિટે પહોંચી ગયું હતું. સામે આવ્યું કે, ક્રૂ મેમ્બરોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ કાબુમાં ન આવતા જીવ બચાવવા માટે બોટને છોડી દીધી હતી. બોટ પરના સાત ક્રૂમાંથી, બેને નજીકમાં ઓપરેટિંગ કરતી અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય પાંચ માછીમારોએ દરિયામાં ઝંપલાવ્યા બાદ ગુમ હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડે દરિયાના ભારે પવન વચ્ચે બે કલાકની મહેનત બાદ ગુમ થયેલા પાંચ લોકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કર્યા હતા. પાંચેય ક્રૂને બપોરે 1 કલાકે પોરબંદર લાવવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા બચાવવામાં આવેલા બે ક્રૂમાંથી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્ત ક્રૂને ICG જહાજ C-161 પર લઈ જવામાં આવ્યો હતો. ICG ટીમ દ્વારા દરિયામાં પ્રાથમિક તબીબી સારવાર બાદ ક્રૂને વધુ સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ભારતીય કોસ્ટગાર્ડે છેલ્લા 8 મહિનામાં ગુજરાતના દરિયામાં 60 લોકોના જીવ બચાવ્યા છે.