ગુજરાતમાં 40,000 પ્રાથમિક શાળાઓને સફાઈ માટે સ્વચ્છતા ગ્રાન્ટ ન મળતા કફોડી હાલત
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓને સફાઈના કાર્યો માટે સરકાર દ્વારા નિયત ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ ઘણા વખતથી સરકારે શાળાઓને સ્વચ્છતા માટે સફાઈ ગ્રાન્ટ ન આપતા શિક્ષકોને પોતાના ખર્ચે સાવરણાં, ડસ્ટબીન સહિતની વસ્તુઓ ખરીદવી પડે છે. અને જાતે જ સફાઈ કરાવની ફરજ પડી રહી છે. રાજ્યની 40 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં મળતી સફાઇની ગ્રાન્ટ જ અપાઇ નથી. આ માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં શાળાઓને હજુ સુધી સફાઇની ગ્રાન્ટ મળી નથી. ગુજરાતની 40 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં સફાઇ અભિયાનની વાતો તો સરકાર કરે છે પણ સફાઇ ગ્રાન્ટ આપવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રાજ્ય કક્ષાએ શાળાઓને સ્વચ્છતા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આ ગ્રાન્ટનો વપરાશ શાળામાં આવેલા સેનિટેશનની સ્વચ્છતા, શાળા પરિસરની સફાઇ માટે કરવામાં આવે છે. જે શાળા સ્વચ્છતા માટે કર્મચારીઓને માસિક પગાર ચૂકવવાનો હોય છે. તેમજ અન્ય સ્વચ્છતાની સામગ્રીની દરરોજ જરૂર પડે ખરીદી કરવાની હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સમયસર ગ્રાન્ટ ન મળતી હોવાને લીધે જે તે શાળાના મુખ્ય શિક્ષકો દરે માસે નાણાની પોતે વ્યવસ્થા કે ગાંઠના નાણામાંથી ખર્ચ કરવો પડતો હોય છે. મારી શાળા સ્વચ્છ શાળાના અભિગમને સાર્થક કરવા માટે સફાઇની ગ્રાન્ટ સમયસર મળે તે ખુબ જ જરૂરી છે. આ અગાઉ કોરોનાના સમયમાં શાળા સ્વચ્છતા ગ્રાન્ટ આપી ન હતી પરંતુ મુખ્ય શિક્ષકો દ્વારા આ સમયગાળા દરમિયાન પદરના નાણાં ખર્ચીને શાળા સ્વચ્છ રાખી હતી.
ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલે જણાવ્યું હતુ. કે શાળા દીઠ રૂ.1800ની સફાઇ ગ્રાન્ટ મળે છે અને રાજ્યમાં 40 હજાર જેટલી શાળાઓ આવેલી છે. ત્યારે મુખ્ય શિક્ષકોને નાણાકીય નુકશાન ભોગવવુ઼ ન પડે તેથી બાકી રહેલી ગ્રાન્ટના નાણાં સમયસર ચૂકવવા તેમજ શાળા સ્વચ્છતા ગ્રાન્ટ સમયસર શાળાઓને મળી રહે તે બાબતે શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સમક્ષ રજૂઆત કરી યોગ્ય કરવા અનુરોધ કરાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સફાઈ અંતર્ગત ઝુંબેશ ચલાવવામાં આવે છે. અને મારી શાળા સ્વચ્છ શાળા તેવા નારા સાથે અભિયાન થાય છે. પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં આવેલી 40,000 જેટલી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતાની ગ્રાન્ટ આજસુધી મળી નથી. હાલ જાન્યુઆરી મહિનો એટલે કે બીજા સત્રને શરૂ થયાને પણ લાંબો સમય વીતી ગયો છે. સફાઈની ગ્રાન્ટ વહેલી તકે ચુકવવામાં નહી આવે તો જે તે શાળાના મુખ્ય શિક્ષકોને પોતાના ગાંઠના ખર્ચે શાળાના વર્ગો સેનેટેશન અને પરિસરની સફાઈ કરાવવી પડશે. અગાઉ કોરોના કાળમાં પણ આ સફાઈ ગ્રાન્ટની રકમ ચુકવવામાં આવી ન હતી.