ભારત જોડો યાત્રાઃ કાશ્મીરના લાલચોકમાં રાહુલ ગાંધીનો વિરોધ, ‘ગો બેક’ના નારા લાગ્યાં
દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને વિવિધ રાજ્યમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. દરમિયાન હાલ યાત્રા જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ રહી છે. દરમિયાન લાલચોક વિસ્તારમાં સ્થાનિક યુવાનોએ રાહુલ ગાંધીનો ભારે વિરોધ કરીને સુત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ કાશ્મીરની પરિસ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવીને આકરા પ્રહાર કર્યાં હતા.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. સ્થાનિક યુવાનોએ ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લગાવીને લાલ ચોકમાં યાત્રાનો વિરોધ કર્યો હતો. તેમણે પ્રશાસનને યાત્રા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
રાહુલની ભારત જોડો યાત્રા હાલ જમ્મુમાંથી પસાર થઈ રહી છે. યાત્રાનો સમાપન સમારોહ 30 જાન્યુઆરીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પણ ભારત જોડો યાત્રાને સમર્થન આપી રહી છે. ડૉ. ફારૂક અબ્દુલ્લાએ ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા લખનપુર પહોંચ્યા હતા.
દરમિયાન સ્થાનિક યુવાનોનું ટોળું લાલચોકમાં ઘંટાઘર નીચે એકત્ર થયું હતું. તેમણે એક બેનર પકડ્યું હતું જેના પર ‘રાહુલ ગાંધી ગો બેક’ લખેલું હતું. તેઓએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘રાહુલ હાય-હાય’ અને ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લગાવતા યુવાનોએ સરઘસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેને મંજૂરી આપી ન હતી.
લાલચોક ખાતે પ્રદર્શનકારીઓમાં સામેલ એક યુવકે કહ્યું કે, રાહુલની આ મુલાકાત માત્ર એક રાજકીય ડ્રામા છે. તે સામાન્ય ભારતીયો કે આપણે કાશ્મીરીઓ માટે નથી. કોંગ્રેસ સંપૂર્ણપણે ખતમ થઈ રહી છે. રાહુલ ગાંધી તેમને બચાવવા માટે જ યાત્રા કાઢી રહ્યા છે. અન્ય એક વિરોધકર્તાએ કહ્યું કે, રાહુલને તે સમયે યાત્રા કેમ યાદ ન આવી જ્યારે ચારેબાજુ આતંકવાદીઓનું શાસન હતું. નિર્દોષ લોકો માર્યા ગયા હતા. કોંગ્રેસે કેન્દ્રમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું છે, કોંગ્રેસે સ્થિતિ સુધારવા માટે કોઈ કામ કર્યું નથી. આ યાત્રા ત્યારે થવી જોઈતી હતી જ્યારે કલમ 370 હતી, હુર્રિયતના લોકો દરરોજ આઝાદીના નારા લગાવતા હતા. તે સમયે આ લોકો હુર્રિયતને અપનાવતા હતા.
(PHOTO-FILE)