અમદાવાદઃ શહેરમાં વધતા જતાં ટ્રાફિકને લીધે રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. કાંકરિયા અને પાલડી વિસ્તારમાં અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં બે મહિલાના મોત થયા હતા. શહેરના કાંકરિયામાં રહેતાં 49 વર્ષીય મહિલા ઘરે જમવા જઈ રહ્યાં હતાં, તે સમયે કાગડાપીઠ એકા ક્લબ નજીક કારચાલકે ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું, જ્યારે પાલડી શારદા મંદિર પાસે ચાલતા પસાર થઈ રહેલા વૃદ્ધ મહિલાને કારે અડફેટે લેતા ગંભીર ઈજા થવાથી મોત થયું હતું.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની એવી વિગો મળી છે કે, શહેરના કાંકરિયા વિસ્તારમાં રહેતા અને મોલમાં હાઉસ કીપર તરીકે નોકરી કરતા 49 વર્ષીય પુષ્પાબેન બપોરના સમયે નોકરી પરથી જમવા માટે ચાલતા ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કાગડાપીઠ એકા ક્લબ બેસ્ટ સાઈડ મોલની બહાર રોડ પર પહોંચ્યા તે સમયે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને પુષ્પાબેનને ટક્કર મારી હતી. જેના પગલે પુષ્પાબેન હવામાં ફંગોળાઈને જમીને પટકાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પુષ્પાબેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના પાલડી શારદા મંદિર પાસે 75 વર્ષીય નયનાબેન તેમના પતિ સહિતના પરિવાર સાથે રહે છે. સાંજના સમયે આમ્રપાલી શોપિંગ સેન્ટર ન્યુ શારદા મંદિર રોડ પાસેથી ચાલતા જઈ રહ્યા હતા. દરમિયાન એક કારચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને નયનાબેનને અડફેટે લીધા હતા. જેના કારણે નયનાબેન ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત નયનાબેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યું હતું. બંને ઘટના મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.