રાજકોટઃ કલેકટર કચેરીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘મહિલા સશક્તિકરણ’ના સંદેશ આપતા ચિત્રો દોરાયાં
‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ’- ‘જ્યાં નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે.’ ગુજરાતમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’, નારી-સુરક્ષા અને મહિલા કલ્યાણ માટે રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ સાથે કાર્ય કરી રહી છે. આવી યોજનાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સમાજમાં નારીની ભૂમિકા અને મહત્ત્વને નાગરિકો સમજે તેવા હેતુસર રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ નવતર અભિગમ અપનાવીને, કલેક્ટર કચેરી ખાતે ચિત્ર-ગેલેરી તૈયાર કરાવી છે. જેમાં યુવા કલાકારોએ બનાવેલા ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એક તરફ કચેરીની મુલાકાતે આવનારા મુલાકાતીઓને ચિત્રો મારફત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘મહિલા સશક્તિકરણ’નો સંદેશ મળે છે, સાથે સાથે યુવા કલાકારોની કલાને પણ યોગ્ય મંચ મળ્યો છે.
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન પ્રમાણે, જિલ્લા કલેકટર કચેરીની સીડી પાસે દિવાલ આર્ટ ગેલેરી નિર્માણ કરવામાં આવી છે. જેમાં આશરે 50થી વધુ પ્રેરણાત્મક ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વોટર કલર, એક્રેલિક કલર અને પોસ્ટર કલરથી તૈયાર કરેલાં ચિત્રોના માધ્યમથી મહિલાઓના સર્વાંગી વિકાસનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. ‘નો ગર્લ, નો મધર, અલ્ટીમેટલી નો લાઇફ’, ‘પ્લીઝ સેવ ધ વુમન લાઇફ’, ‘પ્રથમ ગુરુ મા’, ‘રિયલ મેન ડોન્ટ રેપ’, ‘यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः।’ જેવા સૂત્રોથી લિંગભેદ સમાનતા, સામાજિક દૂષણ અને કુ-રિવાજોનો વિરોધ, પારિવારિક જવાબદારી નિભાવવાની સાથે આજીવિકા કમાતી આધુનિક નારીના જીવન સહિત અનેકવિધ પાસાંઓને ઉજાગર કરવામાં આવ્યા છે.
આ અંગે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેએ જણાવ્યું હતું કે, ગત 8 માર્ચ – ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓપન રાજકોટ લાઈવ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં બાળકોથી લઈ વયસ્ક એવા 200થી વધુ ચિત્રકારોએ બનાવેલાં 100થી વધુ ચિત્રો પૈકી હાલ 50થી વધુ ચિત્રો ચિત્રકારના નામ સાથે ફ્રેમમાં મઢાવી કલેક્ટર કચેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટરના નવતર અભિગમથી ગુજરાત સરકારની બેટી બચાવો, બેટી પઢાવો ઝુંબેશ, નારી-સુરક્ષા, મહિલા કલ્યાણ પ્રવૃત્તિથી લોકો જાગૃત થઈ રહ્યા છે, તો યુવા કલાકારોની ચિત્રકળાને પ્રોત્સાહન મળી રહ્યું છે.