પેશાવરની મસ્જિદમાં TTPએ આતંકવાદી ઉમર ખાલીદના મોતનો બદલો લેવા કર્યો આત્મઘાતી હુમલો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પેશાવરમાં હાઈ સિક્યોરિટી ઝોન ગણાતા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 90ના મોત થયાં હતા જ્યારે 60થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાઝ માટે લોકો એકત્ર થયાં હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીએ જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠન ટીટીપીએ જણાવ્યું હતું કે, આ હુમલો ઉમર ખાલિદ ખુરાસાનીના મોતનો બદલો હતો. ઉમર ખીલ ટીટીપીનો કમાન્ડર હતો. જેને ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાની સેનાએ ઠાર માર્યો હતો. ઉમર ખાલીદનો ભાઈ અને ટીટીપીનો સભ્ય મુકર્રમ મારફતે માલુમ પડ્યું હતું કે, તેઓ ખુરાસાનીના મોતને ભુલી શક્યો નથી, જેથી પુરતી તૈયારીઓ સાથે પેશાવરની મસ્જિદમાં હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.
ખુરાસાનીનો જન્મ પાકિસ્તાનની મોહમ્મદ એજન્સીમાં થયો હતો. તેનું અસલ નામ અબ્દુલ વલી મોહમ્મદ હતું. તેણે પ્રાથમિક તાલીમ ગામમાં થઈ હતી, જે બાદ કરાંચીના કેટલાક મદરેસામાં અભ્યાસ કર્યો હતો. ઉમર ખાલીદ પહેલા પાકિસ્તાનની ઈસ્લામી જેહાદી સંગઠન હજરત-ઉલ-મુજાહિદ્દીન સાથે જોડાયો હતો. જે મુખ્યત્વે કાશ્મીરમાં એક્ટીવ હતું. જેથી કાશ્મીરની આઝાદીના જેહાદમાં સામેલ થયો હતો. પરંતુ પુખ્તવયનો થવાની સાથે જ તે તહરીક એ તાલિબાનમાં જોડાયો હતો. ઉમર કાશ્મીરમાં પણ લાંબો સમય એક્ટિવ રહ્યો હતો. ઓગસ્ટ 2014માં ટીટીપી સાથેથી છુટો પડીને જમાત-ઉલ-અહરારની સ્થાપના કરી હતી. જે ટીટીપીનો જ એક ભાગ છે. આ સંગઠન સામાન્ય રીતે સામાન્ય પ્રજા, લઘુમત્તીઓ અને સૈન્ય જવાનોને નિશાન બનાવે છે. ખુરાસાની અફઘાનિસ્થાનના નાંગરહાર અને કુનાર પ્રાંતમાં આતંકી પ્રવૃતિઓને અંજામ આપી ચુક્યો છે. ખુરાસાનીની આતંકી પ્રવૃતિને પગલે અમેરિકાની નજર ચડ્યો હતો અને માર્ચ 2018માં અમેરિકી વિદેશ વિભાગે તેની ઉપર 30 લાખ ડોલરનું ઈનામ રાખ્યું હતું.