અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થતો જાય છે. આ વર્ષે ગુજરાતમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. ત્યારે લોકોને એવી આશા હતી કે, આ વર્ષે સિંગતેલ સસ્તુ મળશે, પરંતુ કહેવાય છે કે, મગફળીના દાણાની ચીનમાં મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિંગતેલની સિઝનમાં જ ભાવ વધારાથી ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાઈ ગયું છે. ઘણા પરિવારો સિઝનમાં બાર મહિનાનું સિંગતેલ ભરી લેતા હોય છે. તેમને પણ સિંગતેલનો અસઙ્ય ભાવ વધારો સહન કરવો પડશે. સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂપિયા 30નો વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું બંપર ઉત્પાદન થયું છે તેમ છતાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે અને તેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયું છે. સીંગતેલના ભાવમાં ફરી ભડકો થતાં મહિલાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ડબ્બા દીઠ રૂ.30નો વધારો ઝીંકાયો છે. આ સાથે જ સીંગતેલના ડબ્બાનો ભાવ 2660 થી 2740 સુધી પહોંચ્યો છે. મગફળીની ખરીદી છતાં સીંગતેલના ભાવમાં સતત વધારો લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. ચાલુ વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થયું છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયાનો વધારો થતાં ભાવ 2660-2740 પર પહોંચ્યો છે. મગફળીની ખરીદી ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે. સિંગતેલના ભાવ વધી રહ્યા છે. ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો બજારમાં ખૂલ્લો મુકવો જોઈએ તેવી માગ પણ ઊઠી છે. કહેવાય છે, કે ચીનમાં મગફળીની મોટાપાયે નિકાસ કરવામાં આવી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે.