રાજકોટઃ શહેર નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટની નિર્માણ કામગીરી ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. આ એરપોર્ટનો વિશાળ રન-વે પરિપૂર્ણ થતા હવે ફલાઇટ ટેસ્ટીંગની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નવા એરપોર્ટનું 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અને એકાદ-બે સપ્તાહમાં જ ફલાઇટ ટેસ્ટીંગ થશે. જ્યાં ફ્લાઈટનું ઉતરાણ ટેસ્ટિંગ માટે કરાશે. જેનું DGCI દ્વારા ટેસ્ટિંગ થશે અને ફલાઇટ ટેસ્ટીંગ બાદ DGCI દ્વારા આ એરપોર્ટને ઉડ્ડયન માટેનું પ્રમાણપત્ર અપાશે. ત્યારબાદ બે મહિનામાં એટલે કે સંભવત: એપ્રિલ સુધીમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થશે. તેમ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીન ફિલ્ડ હિરાસર એરપોર્ટના નિર્માણની કામગીરી ચાલી રહી છે. જે 99 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય આ હિરાસર એરપોર્ટમાં કામચલાઉ ટર્મિનલ, એટીસી ટાવર, કમ્પાઉન્ડ હોલ સહિતની કામગીરી પૂર્ણતાના આરે છે. હિરાસર એરપોર્ટથી રાજકોટ -અમદાવાદ હાઇવેને જોડતા રોડ પર બ્રીજનું કામ પણ હવે તાબડતોબ ટુંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. હિરાસર એરપોર્ટનો રન-વે ફલાઇટ ટેસ્ટીંગ માટે તૈયાર થતા હવે નજીકના દિવસોમાં પણ એટલે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના અંત અથવા તો બીજા સપ્તાહના પ્રારંભમાં ફલાઇટ ટેસ્ટીંગ કરાશે. ત્યારબાદ બે મહિનામાં એટલે કે સંભવત: એપ્રિલ સુધીમાં મંજૂરી મળી જશે એટલે ત્યાં પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરાશે જોકે હાલ રેસકોર્સ સ્થિત એરપોર્ટ પણ કાર્યરત જ રહેશે અને તબક્કાવાર ફ્લાઈટ નવા એરપોર્ટ પર ડાઈવર્ટ કરાશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થશે ત્યારબાદ શિફ્ટ કરાશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી એક પખવાડિયામાં DGCI પાસે તમામ મંજૂરીની પક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. થોડા સમય પહેલા જ કેન્દ્રીય સચિવ સહિતનો કાફલો રાજકોટ દોડી આવ્યો હતો. હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે પણ મુલાકાત લીધી હતી. અને એરપોર્ટમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3 કિલોમીટરના રન-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. એપ્રન, ટેક્સી વેય્ઝની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. રન-વે પર લેન્ડિંગ લાઇટ્સ લાગી ગઈ છે. તથા ફાયર સ્ટેશનની કામગીરી પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે.