રાજકોટઃ ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યાજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લિક થઈ જતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ બનાવનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરમાં NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પેપર લીકની ઘટનાને લઇ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ પંચાયત મંત્રી રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી રહેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો સાથે જ ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પૂતળું લટકાવી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ટમેટા ફેંકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સરકારી ભરતીઓની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરો ફુટવાની ઘટના અગાઉ પણ અનેકવાર બની ચૂંકી છે.
ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હતું. પરંતુ રાત્રે જ પેપર ફૂટી જતા 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. સવારે કડકડતી ઠંડીમાં વહેલા ઉઠીને ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા તેમણે જાણ થઈ ગઈ કે, પેપર તો ફૂટી ગયું હતું. આ કેસમાં પોલીસે 15 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. આ ચકચારી બનાવમાં ઝડપાયેલા 15 આરોપીને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ તમામ આરોપીના તા.10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનુંપેર ફુટી જતાં સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યા છે. અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિવિધ શહેરોમાં સરકાર સામે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. જેમાં રાજકોટમાં પણ કાર્યક્રમ યોજાયો હતો.