1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પંચમહાલ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીના 400 જેટલા કેસ પકડાયા
પંચમહાલ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીના 400 જેટલા કેસ પકડાયા

પંચમહાલ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીના 400 જેટલા કેસ પકડાયા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વીજ ચોરીનું દુષણ વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીનું પ્રમાણ વધુ હોવાથી સરકારની માલિકીની વીજ કંપનીઓનો લાઈન લોસ વધી રહ્યો છે. આથી વીજ કંપનીઓ દ્વારા વીજચારી સામે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં 200થી વધુ ટીમો દ્વારા ઝૂંબેશ હાથ ધરીને 397 ગેરકાયદે કનેક્શનો પકડી પાડવામાં આવ્યા હતા.વીજ ચોરો પાસેથી ગેરરીતિ બદલ રૂપિયા 165.65 લાખ આકારણીની વસુલાત કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વીજચોરી તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ વિરુદ્ધ પોલીસ અને વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને 3730 વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં 397 ગેરકાયદે વીજ જોડાણ પકડાયા છે. વીજ ચોરો પાસેથી ગેરરીતિ બદલ રૂપિયા 165.65 લાખ આકારણીની વસુલાત કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. વીજ ચોરી કરીને સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડતા વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમને પકડવા માટે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત મેગા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી ગેરકાયદેસર વીજ જોડાણોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  જેમાંપંચમહાલના ગોધરામાં વીજ કંપનીની 86 ટીમો સાથે 1828 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા છે. તે પૈકી 100 વીજ જોડાણોમાં ગેરરીતિ મળતા કાયદેસરની કાર્યવાહી કરી 90 લાખની આકારણી કરવામાં આવી છે. આ ચેકીંગ દરમિયાન કેટલીક ફેકટરીઓમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા. જ્યારે રાજકોટના ગોંડલમાં વીજ કંપનીની 44 ટીમો સાથે 857 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 126 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાઈ આવતા કાર્યવાહી કરી 26 લાખની આકારણી કરવામાં આવી છે. તેવી જ રીતે સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના 7 ગામો અને ધાંગધ્રામાં વીજ કંપનીની વિવિધ ટીમો સાથે 573 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તે પૈકી 86 વીજ જોડાણોમાં ગેરરીતિ નોંધાઈ હતી અને કાર્યવાહી કરી 18 લાખની આકારણી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન 4 ટી.સી. (ટ્રીમ કોઈલ), 500 મીટર વાયર અને 7 સબમર્શીબલ પંપ મોટર કબ્જે કરવામાં આવી છે. બીજી તરફ જામનગરમાં વીજ કંપનીની 37 ટીમો સાથે 472 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 85 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી 31.65 લાખની આકારણી કરવામાં આવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code