ગ્રીન હાઇડ્રોજન સંચાલિત વંદે મેટ્રો ટ્રેન બનાવવામાં આવશે,રેલવે મંત્રીએ આપી માહિતી
દિલ્હી:વંદે ભારત ટ્રેનની સફળતા બાદ ભારતીય રેલવે હવે એ જ ડિઝાઈન પર વંદે મેટ્રો નામની હાઈ સ્પીડ લોકલ ટ્રેનનો સેટ લાવવા જઈ રહી છે જે ગ્રીન હાઈડ્રોજન પર ચાલશે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ વંદે મેટ્રો ટ્રેનનો સેટ વર્ષ 2024-25 સુધીમાં શરૂ થશે.
સામાન્ય બજેટમાં રેલવેને લગતી દરખાસ્તો વિશે માહિતી આપવા માટે મીડિયા સાથેની વાતચીતમાં રેલવે મંત્રીએ કહ્યું કે,શહેરોમાં 50-60 કિલોમીટરનું અંતર કાપવા વંદે મેટ્રો આવી રહી છે.તેની ડિઝાઈન ફાઈનલ થઈ જશે અને આ વર્ષે જ પ્રોડક્શન શરૂ થઈ જશે.આવતા વર્ષથી મોટા પાયે ઉત્પાદન શરૂ કરવાનું આયોજન છે.રેલવે મંત્રીએ કહ્યું કે વંદે મેટ્રો 125 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.તેની ડિઝાઈન મુંબઈ ઉપનગરીય સેવામાં ચાલતી લોકલ ટ્રેનોની તર્જ પર હશે.વંદે મેટ્રોમાં શૌચાલયની સુવિધા નહીં હોય.
વૈષ્ણવના જણાવ્યા અનુસાર,વંદે મેટ્રો ટ્રેન 1950 અને 1960ના દાયકામાં ડિઝાઇન કરાયેલી ટ્રેનોનું સ્થાન લેશે.તેની ડિઝાઇન અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી.એવું માનવામાં આવે છે કે આમાં સુવિધાઓ વંદે ભારત ટ્રેન જેવી જ હશે.પરંતુ આ ટ્રેનનું એન્જિન સંપૂર્ણપણે ગ્રીન હાઇડ્રોજનથી ઓપરેટ થશે.જેના કારણે પ્રદૂષણ બિલકુલ નહીં થાય.વંદે ભારત ટ્રેનની જેમ આ ટ્રેનમાં પણ આધુનિક બ્રેક સિસ્ટમ, રેડ સિગ્નલ બ્રેકિંગથી બચવા માટે આર્મર પ્રોટેક્શન સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, GPS, LED સ્ક્રીન હશે જે મુસાફરોને આગલા સ્ટેશન વિશે અગાઉથી જાણ કરશે.આ ટ્રેનનું ભાડું ઘણું ઓછું હશે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ મુસાફરી કરી શકે.