ભાવનગરઃ શહેરના જાહેર રસ્તાઓ પર વર્ષોથી બેરોકટોક અનેક દબાણો થયેલા છે. મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના અલકા ટોકીઝથી શેલારશા રોડ પરના અનેક ગેરકાયદેસર દુકાનો, લારીઓ, કેબીનો ઓટલાઓ સહિતના દબાણો દુર કરાયા હતા, મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે દબાણ કરતાંઓમાં ફફડાટ ફેલાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં કેટલાક જાહેર રસ્તાઓની બન્ને બાજુએ દબાણો થયેલા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દબાણો હટાવ્યા બાદ ફરીવાર એ જ જગ્યાએ લારી-ગલ્લાઓ ગોઠવાઈ જતા હોય છે. આ વખતે મ્યુનિ.કમિશનરે શહેરમાં દબાણો હટાવવાની ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. તાજેતરમાં ઘોઘા સર્કલ વિસ્તારમાંથી દબાણો હટાવાય બાદ હવે અન્ય વિસ્તારોમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરી છે. મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ પરના ગેરકાયદેસર અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે શહેરના અલકા ટોકીઝથી શેલારશા રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં લારીઓ, કેબિનો, ઓટલાઓ તથા કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણકારો સામે શરૂ કરેલી કાર્યવાહીને નગરજનો આવકારી રહ્યા છે,
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના કુંભારવાડા, શિશુવિહાર, એલઆઈસી ઓફિસ પાસેથી મ્યુનિ. દ્વારા લારીઓ, કેબીનો, ઓટલા સહિતના 65થી વધુ દબાણ દૂર કર્યા હતા, જેમાં કુંભારવાડા બાથાભાઈના ચોકમાંથી 8 કેબિન અને પીપરવાળા ચોકમાંથી 3 કેબિન જપ્ત કરવામાં આવી હતી, બાથાભાઈ ચોકથી નારી રોડ સુધી 55 જેટલા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા, શિશુવિહાર સર્કલમાંથી આઠ કેબીનો જપ્ત કરી હતી. હજુ પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.