તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટ મોકલવા તાકીદ
ગાંધીનગરઃ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ દર વર્ષે વાર્ષિક અહેવાલ બોર્ડને મોકલવો પડતો હોય છે. અત્યાર સુધી શાળાઓ ફિઝિકલી એટલે કે લેખિતમાં અહેવાલ બોર્ડને મોકલતી હતી. પરંતુ હવે પછી તમામ સ્કૂલોને આ વાર્ષિક અહેવાલ ઓનલાઇન મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. વાર્ષિક અહેવાલ ઓનલાઇન કેવી રીતે મોકલવો તેના માર્ગદર્શન માટે સ્કૂલોના આચાર્યને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં માળખાકીય સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થી-શિક્ષકની સંખ્યા, વાર્ષિક કાર્યક્રમો સહિતની તમામ વિગતો દર્શાવતો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તમામ સ્કૂલોએ તૈયાર કરવાનો હોય છે. આ અહેવાલ તૈયાર થયા બાદ જે તે વિસ્તારના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોકલી આપવામાં આવતો હોય છે. આ અહેવાલ જે તે કચેરીને મળ્યા બાદ અંદાજિત ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આ ઇન્સ્પેક્શન દરમિયાન અનેક સ્કૂલોએ અહેવાલમાં દર્શાવેલી વિગતો વાસ્તવમાં હોતી નથી. આ ઉપરાંત અનેક સ્કૂલો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ જ રજૂ કરતી ન હોવાની વિગતો પણ બહાર આવતી હોય છે. હવે શાળાઓને ફિઝિકલી એટલે કે, લેખિતમાં નહીં પણ ઓનલાઈન વાર્ષિક અહેવાલ મોકલાવાની સુચના આપવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરીને દરેક સ્કૂલોને હવે પછી આ અહેવાલ ઓનલાઇન જાહેર કરવાની તાકીદ કરવામાં આવી છે. દરેક શાળાઓએ વર્ષ 2022-23ના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવાના રહેશે. ઓનલાઇન અહેવાલ કેવી રીતે ભરવા તેના માર્ગદર્શન માટે દરેક આચાર્યોને જાણકારી મળી રહે તે માટે બાયસેગના માધ્યમથી આજે સવારે 11થી 1 દરમિયાન વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. દરેક સ્કૂલના આચાર્યને બાયસેગના માધ્યમથી થનારા પ્રસારણને નિહાળવા માટે પણ આગોતરી સૂચના આપવામાં આવી હતી. આમ, રાજ્યના જુદી જુદી શાળાઓ દ્વારા આપવામાં આવતાં નિરીક્ષણ અહેવાલ હવે ઓનલાઇન થવાના કારણે કોઇપણ વ્યક્તિ ઇચ્છે ત્યારે આ અહેવાલ ઓનલાઇન માધ્યમથી જોઇ શકશે.