પાકિસ્તાનઃ ગણતરીના દિવસો સુધી આયાત કરી શકાય એટલુ વિદેશી હુંડીયામણ, મુદ્રા ભંડારમાં 16.1 ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને દુનિયાના વિવિધ દેશો પણ પાકિસ્તાન સાથે અંતર વધારી રહ્યાં છે. વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. હવે 3 સપ્તાહ ચાલે એટલું જ વિદેશી મુદ્રા હોવાનું જાણવા મળે છે. હાલ 3.09 અબજ ડોલર છે. જો પાકિસ્તાન સરકાર આઈએમએફ પાસેથી તેમની શરતોના આધારે લોન મેળવો તો વીજળી સહિતની જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થવાની શકયતા છે. આમ શરીફ સરકાર જનતાને એક મુશ્કેલીમાંથી બચાવવા માટે બીજી મુશ્કેલીમાં ઘકેલવા માટે આગળ વધી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.
પાકિસ્તાનની શરીફ સરકાર અર્થતંત્રને પાડે ચડાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. આઇએમએફ તાત્કાલિક તેને લોન નહીં આપે તો પાકિસ્તાન ડિફોલ્ટ થઇ જશે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ ગત સપ્તાહને અંતે લગભગ ૯ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. નાણાકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પાસે રહેલ વિદેશી હૂંડિયામણ અનામત માત્ર ત્રણ સપ્તાહની આયાત માટે જ સક્ષમ છે. હાલ વિદેશી મુદ્રા ભંડાર 16.1 ટકા ઘટીને 3.09 અબજ ડોલર છે.
ચારેય તરફથી ઘેરાયેલી પાકિસ્તાનની શરીફ સરકાર પાસે આઈએમએફ પાસેથી લોન મેળવવા માટે તેમની શરતો માનવી પડે તેવી શકયતાઓ છે. જો આઈએમએફની શરતો શરીફ સરકાર માને તો દેશની પ્રજા ઉપર મોંઘવારીનો બોજ વધવાની શકયતા છે. પેટ્રોલ-ડિઝલ, વીજળી તથા અન્ય જીવનજરુરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેવી શકયતા છે. આઇએમએફએ વીજળી પરની સબસિડીને 335 અબજ પાકિસ્તાની રૂપિયા સુધી મર્યાદિત રાખવા જણાવ્યું છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં વીજળી બિલ 11 થી 12.50 રૂપિયા પ્રતિ યુનિટ વધારવા જણાવ્યું છે.