ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસના 16 જેટલાં પૂર્વ ધારાસભ્યોએ સરકારી ક્વાટર્સ ખાલી કર્યા નથી,
ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટાયેલા ધારાસભ્યોને તગડો પગાર, પ્રવાસ ભથ્થા અને ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ ધારાસભ્યપદ જતુ રહે ત્યારે તેમણે સરકારી કવાટર્સ ખાલી કરવું પડે છે. ગુજરાત વિધાનસભાની બે-ત્રણ મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો પરાજ્ય થયો હતો. આવા 16 જેટલાં પૂર્વ ધારાસભ્યો સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. કહેવાય છે.કે, વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં ક્વાટર્સ ખાલી કરાયા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ પોતે ચૂંટણીમાં જીતી ન શક્યા હોય કે, પાર્ટીએ ટિકિટ ન આપી હોય એવા પૂર્વ બની ગયેલા ધારાસભ્યો કે મંત્રીઓને બંગલા કે ક્વાર્ટર્સ ખાલી કરવા ગમતા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 જેટલી બેઠકો મેળવીને પ્રચંડ વિજ્ય મેળવ્યા બાદ સત્તા સંભાળી લીધી છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાનુ મંત્રી મંડળ છે. છતાં મંત્રીઓને આ વખતે બંગલા મેળવવામાં ઘણી રાહ જોવી પડી હતી. કારણ કે પૂર્વ મંત્રીઓ બંગલા ખાલી કરતા નહોતા. વારંવાર નોટિસો અને રિમાઈન્ડર આપ્યા બાદ બંગલા ખાલી કરાવાયા છે. હવે 16 જેટલા પૂર્વ ધારાસભ્યો સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. એમએલએ ક્વાર્ટર્સમાં હજુ પણ 17 ક્વાર્ટર્સ ખાલી થયા નથી. 16 પૂર્વ ધારાસભ્ય અને એક વર્તમાન મંત્રીએ હજુ સુધી ક્વાર્ટર્સ ખાલી કર્યા નથી. ક્વાર્ટર્સ ખાલી નહીં કરનારા ધારાસભ્યો મોટાભાગે ચૂંટણી હારી ગયેલા છે અથવા તો તેમને પાર્ટીએ આ વખતે ટિકિટ આપી નથી. ચૂંટણી પરિણામો બાદ પણ મોટાભાગના પૂર્વ ધારાસભ્યોએ સેક્ટર-21માં આવેલા એમએલએ ક્વાર્ટર્સમાં પોતાને મળેલું આવાસ ખાલી નહીં કરતા નવા ધારાસભ્યોને ક્વાર્ટર્સ ફાળવવામાં વિલંબ થયો હતો.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પૂર્વ ધારાસભ્યોની રજૂઆત ધ્યાને લઇને વિધાનસભા સચિવાલય તરફથી 15મી જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી 16 ધારાસભ્યો અને એક મંત્રી પરસોત્તમ સોલંકીએ ક્વાર્ટર્સ ખાલી કર્યું નથી. પરસોત્તમ સોલંકીને મંત્રી નિવાસ સંકુલમાં બંગલો ફાળવવામાં આવ્યો છે, પરંતુ તેનું રિનોવેશન ચાલતું હોવાથી બંગલાનો કબજો મળ્યો નથી આથી તેઓ ટૂંક સમયમાં ધારાસભ્ય ક્વાર્ટર્સ ખાલી કરશે.