અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શહેરી પરિવહન સેવા એએમટીએસ વર્ષે-દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. છતાં સત્તાધિશોએ શહેરી બસસેવા ખાનગી કોન્ટ્રાક્ટરોના હવાલે કરી દીધી છે. બસ કોન્ટ્રાક્ટરોના ડ્રાઈવરો સૌથી વધુ અકસ્માતો સર્જતા હોય છે. છેલ્લા 6 વર્ષમાં AMTS બસ દ્વારા 1500થી વધુ અકસ્માત કરવામાં આવ્યા છે. દર વર્ષે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે આ અકસ્માતોના કારણે મૃત્યુની સંખ્યા તો ઘટી છે, પરંતુ બસના ડ્રાઇવરો દ્વારા બેફામ રીતે બસને ચલાવી અને અકસ્માત કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બસના ડ્રાઇવરો દ્વારા હવે ચાલુ નોકરીએ દારૂ પી અને બસ ચલાવવામાં આવતી હોવાના કારણે પણ અકસ્માતો થતા હોવાની લોકચર્ચા થઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના શહેરીજનોની મુખ્ય પરિવહન સેવા એવી AMTS બસ સેવા શહેરીજનોની લાઈફ લાઈન ગણાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા એએમટીએસનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે અને હવે ખાનગી ઓપરેટરો દ્વારા બસનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે બસના અકસ્માતોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. વર્ષ 2022-23માં 270 જેટલા અકસ્માતો AMTSની બસો થયા હતા. જેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. ગત વર્ષ 2021-22માં 155 અકસ્માતો થયા હતા અને આઠ લોકોના મૃત્યુ થયા હતા. એટલે કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ખાનગી બસોના ઓપરેટરો દ્વારા બેફામ રીતે વાહન ચલાવી અને અકસ્માતો કરવામાં આવી રહ્યા છે. છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાન્સપોર્ટ વિભાગ આવા ખાનગી ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરતી નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં એએમટીએસ બસ દ્વારા આવા અવારનવાર અકસ્માતો કરવામાં સર્જાતા હોય છે. ખાનગી ઓપરેટરોના બસચાલકો જ્યારે આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જે છે તો તેઓને પેનલ્ટીના ભાગરૂપે દંડ કરવાનો હોય છે. પરંતુ એએમટીએસના ખાનગી ઓપરેટરો જ ભાજપના નેતાઓના મળતીયાઓ અને સંબંધીઓ છે, ત્યારે તેમની સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. કરોડો રૂપિયાના દેવામાં ચાલતી એએમટીએસ બસના ઓપરેટરો અને જો દંડ કરી અને તેમની પાસેથી પૈસા વસૂલવામાં આવે તો થોડી ઘણી રાહત પણ મળી શકે છે. પરંતુ આવા અકસ્માતો અને અન્ય બાબતો ઉપર ખુદ ટ્રાન્સપોર્ટ વિભાગ જ ધ્યાન આપવામાં રસ નથી દાખવતું. અધિકારીઓ તેમજ ભાજપના નેતાઓ વચ્ચેની દંડ કરવાની મીલીભગતના કારણે નાગરિકોએ અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. ગત વર્ષે ખાનગી કોન્ટ્રાક્ટરોને અકસ્માતના પેટે કેટલો દંડ ફટકારવામાં આવ્યો તેની કોઈ જ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી નથી. કયા કોન્ટ્રાક્ટરને કેટલો દંડ કરવામાં આવ્યો છે, ડ્રાઇવરોને અકસ્માતના કારણે કાઢી મૂકવામાં આવ્યા તેની માહિતી જ આપવામાં આવી નથી. ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ પાંડે સહિતના અધિકારીઓ આવી માહિતી આપતા જ નથી. ભાજપના જ ધારાસભ્યના સંબંધીઓ અને મળતીયા જ જો કોન્ટ્રાક્ટર હોય તો તેમને સાથે સારા સંબંધો રાખવા માટે થઈ અને આવી રીતે માહિતીને છુપાવવામાં આવે છે. (File photo)