અમદાવાદમાં મ્યુનિ.ના 500 કરોડના સુચિત પ્રોપર્ટી ટેક્સના વધારામાં 100 કરોડ રાહતની શક્યતા
અમદાવાદઃ ગુજરાત સરકારે જંત્રીના દરમાં ડબલ વધારો કરતાં તેની અસર અમદાવાદના પ્રોપર્ટીધારકો પર પણ પડશે. બીજીબાજુ શહેરના મ્યુનિ.કમિશનરે પ્રોપર્ટી ટેક્સમાં સુચવેલા 500 કરોડના સુચિત વધારા સામે પણ વિરોધ થઈ રહ્યો છે. મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા રૂ.8,400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સુધારા સૂચવવા સત્તાધારી ભાજપના તમામ કોર્પોરેટરની એક બેઠક મેયરના બંગલે મળી હતી. આ બેઠકમાં કમિશનરે પ્રોપર્ટી ટેક્સમાં સૂચવેલા રૂ.500 કરોડના વધારાના બોજને ઘટાડી લોકોને રૂ.100 કરોડ સુધીની રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. કમિશનરે પ્રોપર્ટી ટેક્સમાં 33 ટકાનો પ્રોપર્ટી ટેક્સમાં વધારો કર્યો હતો. હવે ચૂંટાયેલી પાંખ તેમાં 6થી 7 ટકાની રાહત આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના મ્યુનિ.કમિશનરે તાજેતરમાં રજુ કરેલા ડ્રાફ્ટ બજેટમાં પ્રોપર્ટી સહિતના કરવેરા વધારવા ભલામણ કરી છે. આથી મ્યુનિ.ના બજેટમાં કેટલો વધારો-ઘટાડો કરવો તે અંગે ચર્ચા કરવા મ્યુનિ.ના ભાજપના કોર્પોરેટરોની એક બેઠક મેયરના બંગલે મળી હતી. જેમાં ગુજરાત સરકારે જંત્રીના દરમાં કરેલા બમણાં વધારાની પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રોપર્ટી ટેક્સમાં 30થી 50 ટકાનો વધારો થતો હોવાથી નવી જંત્રીનો અમલ એકાદ-બે વર્ષ મોકૂફ રાખવાની કોર્પોરેટરોએ માગણી કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ઠરાવ કરી જંત્રીના નવા દરનો અમલ પાછો ઠેલી શકે છે. 2008 અને 2014માં મ્યુનિ.માં મર્જ કરેલા નવા વિસ્તારોમાં જંત્રી આધારિત ટેક્સનો અમલ મોકૂફ રાખવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વખતે પણ જંત્રી દરમાં વધારાનો અમલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી સામાન્ય સભામાં મંજૂર કરી પાછો ઠેલાઈ શકે છે. દરમિયાન તમામ કોર્પોરેટરને તેમના સુધારો કરીને 2 દિવસમાં સુપરત કરવાની સૂચના આપવામાં આવી છે. મેયરના બંગલે મળેલી બેઠકમાં તમામ કોર્પોરેટરો અને શહેરના ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસ કામો પર પણ ચર્ચા થઈ હતી. સરદાર પટેલ સ્ટેડિયમના રિનોવેશન માટે બજેટ સુધારો સૂચવાશે. તમામ કોર્પોરેટરોને બેઠકમાં પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું હતું કે, મ્યુનિ.ને ટેક્સ પેટે 1200 કરોડ આવક થાય છે. પરંતુ પ્રતિ વર્ષ પગાર પેટે 1800 કરોડ ચૂકવાય છે. આ પ્રેઝન્ટેશન પછી ભાજપના તમામ કોર્પોરેટરે પ્રોપર્ટી ટેક્સમાં મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા વધારાને યોગ્ય ગણાવ્યો હતો.