અમદાવાદઃ મુંબઈ- અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી સેમી હાઈસ્પીડ લક્ઝુરિયસ ટ્રેન વંદે ભારતને પુરતો ટ્રાફિક મળી રહ્યો છે. છેલ્લા ચારેક મહિનાથી નો-વેકન્સી જોવા મળી રહી છે. અને 200થી વધુ વેઈટિંગલિસ્ટ હોય છે. આમ વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પહેલી પસંદ બની ગઈ છે. 1 ઓક્ટોબરે વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી સતત 129 દિવસથી હાઉસફૂલ રહી છે.
રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ વચ્ચેની લગભગ તમામ ટ્રેનોને સારોએવો ટ્રાફિક મળે છે. વંદે ભારત એક્સપ્રેસની પાછળ જ ઉપડતી શતાબ્દી એક્સપ્રેસ પણ સામાન્યરીતે ફૂલ રહે છે. પરંતુ તેમાં એક સપ્તાહ પહેલા બુકિંગ કરાવતા સીટ મળી જાય છે, બીજી બાજુ વંદે ભારત એક્સપ્રેસમાં સીટ મળવી મુશ્કેલ હોય છે. કારણ કે. ટિકિટ કેન્સેલેશનનું પ્રમાણ નહીંવત છે.
પશ્ચિમ રેલવેએ અમદાવાદ મુંબઈ વચ્ચે પેસેન્જરોની સુવિધા માટે લક્ઝુરિયસ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ બાદ સેમીહાઈસ્પીડ ટ્રેન વંદે ભારત પણ શરૂ કરવામાં આવી છે. આ બન્ને ટ્રેનોનો અમદાવાદથી અને મુંબઈથી ઉપડવાના સમયમાં ફક્ત 20 મિનિટનું અંતર છે અને બન્ને ટ્રેનોની દોડવાની ઝડપ પણ સરેરાશ 130 કિલોમીટરની છે. તેમ છતાં વંદે ભારત અમદાવાદથી 5.40 કલાકમાં મુંબઈ પહોંચાડી દે છે. તેની સામે શતાબ્દી એક્સપ્રેસ 6.55 કલાકનો સમય લે છે. એજ રીતે બન્ને ટ્રેનોના ભાડાની સરખામણી કરીએ તો વંદે ભારતમાં ભાડું વધુ વસૂલ કરાય છે. વંદે ભારત એક્સપ્રેસમાં ચેરકારનું ભાડું 1200 રૂપિયાની સામે શતાબ્દી એક્સપ્રેસમાં ચેરકારનું ભાડું 1095 રૂપિયા છે. વંદે ભારતમાં એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2295 રૂપિયાની સામે શતાબ્દી એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2085 રૂપિયા છે. તેમ છતાં શતાબ્દી એક્સપ્રેસની સરખામણીમાં વંદે ભારત પેસેન્જરોની પહેલી પસંદ બની રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મુંબઈ વચ્ચે હાલ 70થી 110 કિલોમીટરની ઝડપે ટ્રેનો દોડી રહી છે. જ્યારે સૌથી વધુ ઝડપ 130 કિલોમીટરની વંદેભારત અને શતાબ્દી એક્સપ્રેસની છે. ત્યારે આ ટ્રેનોની ઝડપ વધારી શકાય તે માટે હાલ સંપૂર્ણ રૂટ પર આવતા વળાંક, ઘટાડવાની સાથે જૂના ટ્રેક બદલવામાં આવી રહ્યા છે.જેના પગલે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી તમામ ટ્રેનોની સ્પીડ વધારી 80થી 160 કિલોમીટરની કરી દેવાશે. જેમાં શતાબ્દી એક્સપ્રેસ અને વંદેભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિલોમીટરની ઝડપે દોડશે જ્યારે બાકીની ટ્રેનો પણ 100થી 130 કિમીની ઝડપે દોડાવી શકાશે.