ચીને 10 લાખ તિબેટીયન બાળકોને પરિવારથી અલગ કરાયાં, UNના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હીઃ ચીને લગભગ 10 લાખ તિબેટીયન બાળકોને તેમના પરિવારથી અલગ કર્યા છે. ચીને આ બાળકોને સરકારી બોર્ડિંગ સ્કૂલોમાં રાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ત્રણ માનવાધિકાર નિષ્ણાતોએ આ રિપોર્ટ આપ્યો છે. તેમનું કહેવું છે કે ચીન આ તિબેટીયન બાળકોને તેમની માતૃભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસના અભ્યાસથી દૂર રાખવા માંગે છે. તિબેટીયન લઘુમતીના બાળકોને ચીની ભાષામાં અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ બાળકોને જ્યાં રાખવામાં આવે છે તે શાળાઓ ફક્ત હાન સંસ્કૃતિ વિશે શીખવે છે. હાન ચીનમાં બહુમતી વંશીય જૂથ છે, જે ત્યાંની વસ્તીના 92% હિસ્સો ધરાવે છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તિબેટીયન બાળકો માટે રેસિડેન્શિયલ સ્કૂલ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય માનવાધિકારના ધોરણોથી વિપરીત રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોને ડર છે કે, ઘણા બાળકો તેમની માતૃભાષા ભૂલી શકે છે અને તેમના પરિવારો સાથે વાતચીત કરવામાં મુશ્કેલીનો સામનો કરી શકે છે. એક્સપર્ટે કહ્યું- તિબેટીયન બાળકો પોતાની માતૃભાષાથી પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે. તિબેટિયનો તેમના માતા-પિતા અને દાદા-દાદી સાથે ભાષામાં સરળતાથી વાતચીત કરવાની ક્ષમતા ગુમાવી રહ્યા છે, જે તેમની ઓળખને નબળી પાડવાનું કામ કરી રહ્યું છે. બીજી ચિંતાજનક હકીકત એ છે કે તિબેટ પ્રદેશની અંદર અને બહાર કાર્યરત રહેણાંક શાળાઓની સંખ્યા અને તેમાં રહેતા તિબેટીયન બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાં ઉઈગર મુસ્લિમ અને તિબેટીયનો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે. દરમિયાન તિબેટીયન બાળકોને તેમના પરિવારજનોથી દુર કરાયાના સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાનો રિપોર્ટને પગલે ખળભળાટ મચી ગયો છે. તેમજ દુનિયાના વિવિધ દેશો ચીનની આ કામગીરીની ટીકા કરી રહ્યાં છે.