મુખ્યમંત્રીનો કરકસરભર્યો અભિગમ, સચિવાલયમાં દિવસે અંજવાળું હોય ત્યાં લાઈટ્સ બંધ રહેશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વહિવટી ક્ષેત્રે જો કરકસરભર્યો અભિગમ દાખવવામાં આવે તો પણ પ્રજાની તિજોરીને ઘણો ફાયદે થઈ શકે તેમ છે. પ્રજાના મતથી ચૂંટાયેલા શાસકો પ્રજાની તિજોરીના મુખ્ય ટ્રસ્ટી ગણાય છે. ત્યારે અકારણ નાણાનો દુર્વ્યવ ન થાય તે જોવાની જવાબદારી પણ સરકારની હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘરથી કરકસરનો અભિગમ અપનાવ્યો છે. એટલે કે, મુખ્યમંત્રી જે કચેરીમાં બેસીને રાજ્યનો વહિવટ કરી રહ્યા છે.તે સ્વર્ણિમ સંકુલ 1 અને 2 તેમજ સચિવાલયમાં દિવસ દરમિયાન અંજવાળું હોય ત્યાં સુધી લાઈટ્સ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આમ વીજળીની બચત કરવાના તેમના નિર્ણયની પ્રસંશા થઈ રહી છે. રાજ્યની સરકારી કચેરી અને મંત્રીઓની ઓફિસમાં કદાચ કોઈ હોય કે ના હોય પણ લાઈટ-પંખા અકારણ ચાલુ તો જોવા મળતા હોય છે. આવા સંજોગોમાં ઉનાળા અગાઉ રાજ્યમાં વીજ સંકટ ઊભું ના થાય તે માટે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળવા સૂચના આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીએ કાર્યાલયમાં સૂચના આપી છે કે, જે ભાગમાં અજવાળું હોય ત્યાં લાઈટ શરૂ કરવાનું ટાળવું. આ ઉપરાંત જરૂર હોય તેટલો જ વીજ વપરાશ કરવો. બિનજરૂરી વીજ વપરાશ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં ગત વર્ષે 2200 મેગા વોટ વીજનો વપરાશ થયો હતો. રાજ્ય સરકાર દર વર્ષે ખાનગી કંપનીઓ પાસેથી 8 હજાર મિલિયન યુનિટ વીજળી ખરીદે છે. ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને પણ વીજ બચાવોની અપીલ કરી છે. રાજ્યમાં સામાન્ય રીતે 1700 મેગા વોટ વીજળીનો વપરાશ થાય છે, પરંતુ ઉનાળાની એટલે કે ગરમીની સીઝનમાં વીજ વપરાશમાં વધારો જોવા મળે છે. ગત વર્ષે ઉનાળાની સીઝનમાં 1700 મેગા વોટના સ્થાને 2200 મેગા વોટ વીજ વપરાશ થયો હતો. એટલે કે, ઉનાળાની સીઝનમાં 500 મેગા વોટ વધારાની વીજળીનો વપરાશ નોંધાયો હતો. વધારાની વીજ વપરાશ થાય ત્યારે સરકારને વીજ સપ્લાયમાં મુશ્કેલી ઉભી થાય છે. વધારાના વીજ વપરાશ માટે સરકારે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળી ખરીદવી પડે છે. આથી રાજ્યમાં વીજળીની બચત થાય તે માટે સરકાર હવે જાગૃત બની છે.
રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, રાજ્ય સરકાર વર્ષ 2019-20માં 8 હજાર 819 મિલિયન યુનિટ વીજળી 4.86 રૂપિયાના ભાવે ખરીદી હતી. વર્ષ 2020-21માં 8 હજાર 266 મિલિયન યુનિટ વીજળી 4.85 રૂપિયાના ભાવે ખરીદી હતી. જુલાઈ 2021 સુધીમાં 4 હજાર 331 મિલિયન યુનિટ વીજળી 4.20 રૂપિયાના ભાવે ખરીદી હતી. આમ, રાજ્યમાં વીજ પુરવઠો પૂરો પાડવા માટે સરકારે ખાનગી કંપનીઓ પાસેથી સરેરાશ 8 હજાર મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વર્ષ 2022-23ના નાણાંકીય વર્ષમાં વીજળી બચાવવા માટે બે વખત સરકાર તરફથી અપીલ કરવામાં આવી છે. અગાઉ જુલાઈ 2022 દરમિયાન જ્યારે કોલસાની તંગી ઊભી થઈ હતી તે સમયે તત્કાલીન નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વીજળી બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે ફરીથી આ જ નાણાકીય વર્ષમાં હવે પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વીજળી બચાવવા માટે કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સૂચના આપી છે.