દેવગઢ બારિયાઃ તાલુકાના પંચેલા ગામે બીએસસીપીએલ કંપનીના જૂના પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં રાત્રે ટેન્કરોમાંથી એલપીજીની ચોરી ચાલી રહી હતી તે વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો મારતાં મોટું કૌભાંડ પકડાયુ હતું, જેમાં 9 શખસો સામે ગુનો દાખલ કરી 5ની ધરપકડ કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેવગઢ બારિયાના પંચેલા ગામે BSCPL કંપનીના પ્લોટ્સમાં પાર્ક કરેલા એલપીજી ગેસ ભરેલા ટેન્કરોમાંથી ચોરી કરવામાં આવતી હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. જેમાં લીમખેડામાં રહેતો પંકજ અમરા ભરવાડ પંચેલા ગામે રહેતા તેના કુટુંબી મામા ભીમજી મોરાર ભરવાડ ઉપરાંત ઇન્દોરના મદન પુવાર, શિવા સોલંકી નામના યુવકોની ભાગીદારીમાં આ ચોરી કરતા હતા. ટેન્કરોમાંથી ગેસ કાઢવા માટે મધ્ય પ્રદેશના ઘનશ્યામ પરમાર અને માખનસિંહ ઓડિયાને 15 હજારના પગારે નોકરીએ રાખ્યા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલે ભરૂચના દહેજની IOCમાંથી ઉજ્જૈન લઈ જવાતા 41,990 કિલો એલપીજી ભરેલાં ત્રણ ટેન્કરમાંથી ચોરી કરેલો 2390 કિલો ગેસ (રૂ.92,241) ભરેલી ટાંકી સાથેનો ટેમ્પો, મોટર, વાલ્વ મળી 80.14 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે પીપલોદ પોલીસે સદોષ માનવ વધનો પ્રયાસ, છેતરપિંડી, ચોરી સહિતની કલમો હેઠળ 9 સામે ગુનો દાખલ કર્યો છે. IOCમાંથી એલપીજી ભરીને આવતાં ચાલકોને રૂપિયાની લાલચ આપીને પંચેલામાં રોકતા હતા. એક ટેન્કરમાંથી 50થી 60 કિગ્રા ગેસ કઢાતો હતો. એક કિલો ગેસના રૂ.35ના ભાવે ડ્રાઇવરોને રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આઈઓસીના એલપીજી ભરેલા ટેન્કરોમાંથી ગેસચોરીનું કૌભાંડ કેટલા સમયથી ચાલે છે. કોણ કોણ સંડોવાયેલા છે. તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.