આણંદઃ આઝાદી બાદ પ્રથમવાર અમૂલ ડેરીમાં ભાજપે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે. આજે અમૂલની ચૂંટણીમાં ભાજપના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. ગુજરાતની તમામ ડેરીઓ પર ભાજપનો સંપૂર્ણ કબજો છે. જ્યારે અમુલમાં પણ ચેરમેન તરીકે વિપુલ પટેલ અને કાન્તી સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે. કાંતિ સોઢાએ મહિના પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 25 વર્ષથી દૂધિયા રાજકારણમાં દબદબો ધરાવતા રામસિંહ પરમારનું એક હથ્થું શાસન ભાજપે પુરું કરી દીધું છે. રામસિંહ પરમાર માટે હવે સહકારી ક્ષેત્રનો રસ્તો બંધ થઈ ગયો છે. રામસિંહે દીકરા યોગેન્દ્રને ભાજપના ધારાસભ્ય બનાવી લીધો પણ સહકાર ક્ષેત્રનું રાજકારણ પુરું કરી દીધું છે. રામસિંહ પરમાર ભાજપમાં હોવા છતાં સ્થાનિક સંગઠનને ક્યાં વાંકું પડ્યું એ હાલમાં ચર્ચાનો વિષય છે. અમૂલની ચૂંટણી પહેલાં ભાજપે મોટો ખેલ પાડીને 3 સહકારી ડિરેક્ટરોને ભાજપમાં જોડ્યા છે. 3 દિવસ પહેલાં કમલમ ખાતે અમુલ ડેરીના 3 ડિરેક્ટરે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો. જે દબદબાને અમિત શાહે એક્ટિવ થઈને હવે લગભગ પૂરો કરી દીધો છે. ફેડરેશનમાં પણ મોટાભાગની ડેરીઓના ચેરમેન ભાજપ પ્રેરિત છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સહકારી રાજકારણમાં અમૂલ સંલગ્ન રાજકારણ સૌથી ટોચ પર હોય છે. દૂધિયું રાજકારણ એટલું ફેલાયેલું છે કે ગુજરાતના 18 હજાર ગામડાઓને સીધી અસર કરે છે. કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના 50 દિવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્વર્ય થયું હતુ. હવે એમને સીધો લાભ મળ્યો છે. આજે ભાજપે એમને અમૂલના વાઈસ ચેરમેન જાહેર કર્યા છે. આ રાજરમત પાછળ દૂધનું સહકારી રાજકારણ જવાબદાર છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લવાયા છે. આ સંજોગોમાં આણંદ સંઘમાં રામ સિંહ પરમારનું જૂથ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે ભળે છે કે કેમ એ સૌથી મોટો સવાલ હતો. હવે પાટીલે આ ખેલ પણ પૂરો કરી દીધો છે. અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃસંસ્થા એ અમૂલ ડેરી કહેવાય છે. જેમાં 6 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા 25 વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. નોંધનીય છે કે, રામસિંહ પરમારે 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. હવે ભાજપે અમૂલમાંથી કોંગ્રેસનું રાજકારણ પુરૂ કરી દીધું છે. અત્યારસુધી ભાજપ અને કોંગ્રેસ સામસામે હતા. ફેડરેશનના તમામ દૂધ સંઘોમાં હવે ભાજપનું શાસન છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ કાંતિ સોઢા પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા રામસિંહ પરમારની સત્તા જશે,તે નક્કી હતું. આજે કાંતિ સોઢા પરમાર વાઈસ ચેરમેન બન્યા છે. કાંતિભાઈ ભાજપમાં જોડાયા બાદ બીજા 3 ડિરેક્ટરો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આમ 15 ડિરેક્ટરોમાં 13 ડિરેક્ટરો ભાજપના થતાં આજે થયેલી ચૂંટણીમાં ભાજપના વિપુલ પટેલ ચેરમેન બન્યા છે. રામસિંહ પરમાર 25 વર્ષથી આ ડેરી પર એક હથ્થુ શાસન ચલાવતા હતા. જેમના ભાજપમાં જોડાવવા છતાં મૂળ કોંગ્રેસીનો થપ્પો હોવાથી ભાજપે એમને ઘરભેગા કરી દઈ વિપુલ પટેલ પર દાવ ખેલ્યો છે.